ગો ફર્સ્ટ એરલાઈન્સને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)માંથી રાહત ના મળતા મોટો ઝટકો લાગ્યો છે. એનસીએલટીએ એરલાઈનને નાદાર થવાની અરજીની અંગે સુનાવણી કરતા કહ્યું હતું કે ઈન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) એટલે કે નાદારીને લગતા કાયદામાં આંતરિક રાહત (ઈન્ટરિમ મોરેટોરિયમ)ની કોઈ જોગવાઈ નથી. આઈબીસી કાયદા હેઠળ ફક્ત સંપૂર્ણ રાહત (એબ્સ્યોલુટ મોરેટોરિયમ) જ આપી શકાય. ગો ફર્સ્ટે લીઝ પર લીધેલાં 26 વિમાન જપ્ત થતાં બચાવવા માટે એનસીએલટીમાં અરજી કરી હતી.આ દરમિયાન ગો ફર્સ્ટે ફ્લાઈટોની ઉડાન પર રોકની તારીખ પાંચમી મેથી લંબાવીને નવમી મે કરી દીધી હતી.
26માંથી 17 વિમાન પાછાં લેવાની પ્રક્રિયા ચાલુ
ગો ફર્સ્ટે 26 વિમાન બચાવવા વચગાળાની રાહત માટે અરજી કરી છે, પરંતુ તે પૈકી 17 વિમાન પાછાં લઈ લેવા લીઝ કંપનીઓએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. લીઝ પર આપેલાં વિમાનો પાછાં લેવા એક લાંબી પ્રક્રિયા હોય છે. તે અંતર્ગત વિમાનોની સંપૂર્ણ ટેક્નિકલ તપાસ પણ કરાય છે. જો તેમાં કોઈ ખામી કે કમી હોય તો એરલાઈન્સ કંપનીઓના ખર્ચે તે ઠીક કરાવાય છે.