એકના ડબલ કરી આપવાની લાલચ આપી BZના સીઈઓ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર નિવૃત્ત અધિકારીઓ કે શિક્ષકો જ નહીં પરંતુ દેશના જાણીતા ક્રિકેટર્સ સાથે પણ ઠગાઈ કરી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. CID ક્રાઈમે રોકાણકારોની યાદી તપાસી ત્યારે તેમાંથી ક્રિકેટર શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા સહિત પાંચ ક્રિકેટર્સનાં નામ પણ મળ્યાં હતાં.
જેમણે દસ લાખથી લઈને એક કરોડ રૂપિયાનું વ્હાઈટની એન્ટ્રીથી રોકાણ કર્યું હતું. એટલું જ નહીં આવા જાણીતા લોકોનાં નામ બહાર આવ્યા બાદ CID ક્રાઈમે આ યાદીમાં એક્ટર સોનું સૂદનું નામ પણ તપાસ્યું હતું. તેની પાછળનું કારણ એ હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાના એક કાર્યક્રમમાં આ એક્ટર હાજર રહ્યો હતો. ક્રિકેટર્સ શુભમન ગિલ, રાહુલ તેવટિયા, મોહિત શર્મા, સાંઈ સુંદર સહિતના લોકોનાં નામ રોકાણકારોની યાદીમાં હોવા અંગે જ્યારે CIDના વડા ડો. એસ. રાજકુમાર પાંડિયાને પૂછતા તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે CID ક્રાઈમના અન્ય સિનિયર અધિકારીઓએ પાંચ ક્રિકેટર્સના રોકાણ અંગેની વાતને સમર્થન આપ્યું હતું અને તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું કહ્યું હતું. સૂત્રોનું કહેવું છે કે દસ લાખથી લઈને એક કરોડ રૂપિયા સુધીનું રોકાણ આ ક્રિકેટર્સ દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ એક્ટર સોનું સૂદના રોકાણની એન્ટ્રીઓ મળી નહોતી.