ગરીબ, અભણ, અલ્પ શિક્ષિત લોકોને સરકારી સહાય, લોન અપાવવાની લાલચ આપી અધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલાવી અને જીએસટી રજીસ્ટ્રેશન કરાવવાના કૌભાંડમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા નિમવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા 1102 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.
સીટના અધ્યક્ષ ગૌતમ પરમાર, સભ્યો શિવમ વર્મા, જીતેન્દ્ર અગ્રવાલ, રાધિકા ભરાઇ, આર.એન.વિરાણી દ્વારા ગુન્હાના કામમાં ઉપયોગમાં લેવામાં આવેલા મોબાઇલ ફોન, લેપટોપ, ડીજીટલ ડેટા પકડવામાં આવ્યો હતો.
કુલ 461 બોગસ પેઢીઓ પૈકી 236 પેઢીઓમાં 15 આરોપીઓ દ્વારા કુલ 1102,10,11,102 રૂપિયાનું કૌભાંડ આચરી કુલ 1,22,36,28,709 રૂપિયાની કરચોરી કરવામાં આવી હતી. આ અંગે સીટ દ્વારા 11228 પાનાનું પ્રથમ ચરણનું ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યુ હતુ. જીએસટી વિભાગના સંકલનમાં સીટની ટુકડી તપાસ કરી રહી છે, અને જીએસટી વિભાગ દ્વારા 800 જેટલા શંકાસ્પદ નંબરોની યાદી સીટને સોંપવામાં આવેલી હોવાનું જાણવા મળ્યુ છે, તે પૈકી હજુ 461 નંબરોની ચકાસણી સીટ કરી શકી છે. સીટીની તપાસ ડમીકાંડ, તોડકાંડને કારણે ધીમી પડી હોવાનું ભાસી રહ્યું છે.