ગુજરાતમાં GST (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) વર્ષ 2017થી લાગુ કરવામાં આવ્યો પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને છ વર્ષ બાદ હવે એટલે કે વર્ષ 2023માં કોલેજોની જુદી જુદી ફી ઉપર જીએસટી વસૂલવાનું યાદ આવ્યું છે. સંલગ્ન કોલેજોના આચાર્યોને પરિપત્ર કરીને નવી કોલેજ, નવો અભ્યાસક્રમ,નવું જોડાણ, વધારાનું જોડાણ, ચાલુ જોડાણ, કાયમી જોડાણ સહિતની જુદી જુદી ફીમાં 18% જીએસટી વસૂલવામાં આવનાર હોવાનું જણાવ્યું છે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે, આ જીએસટી કોલેજોએ વર્ષ 2023થી નહીં પરંતુ 2017થી લઇને અત્યાર સુધીનો ચૂકવવો પડશે.
પરિપત્રમાં જણાવ્યું છે કે, સંલગ્ન સંસ્થાઓ દ્વારા પ્રોસેસિંગ ફી, જોડાણ ફી, કાયમી જોડાણ / ચાલુ જોડાણની વધારાની જોડાણ ફી, ટ્રસ્ટ ટુ ટ્રસ્ટ ફેરફાર ફીઝ, સ્થળ ફેરફાર ફીઝ, નામ ફેરફાર ફીઝ વગેરે ફીઝ તથા જો તેના પર લેટ, પેનલ્ટી લેવામાં આવેલ હોય તો તેના પર તા.01/07/2017ની અસરથી GST રૂપે 18% રકમ વસૂલવા કેન્દ્ર સરકારના સંબંધિત ખાતા મારફત સૂચના મુજબ સંલગ્ન સંસ્થાઓ એ જોડાણ વિષયક ફીઝ યુનિ.માં જમા કરાવેલ હોય / કરવાની થતી હોય, તેના પર 18% GST રૂપે યુનિ.ને રકમ ચૂકવવાની થાય છે.