દેશનું રિટેલ સેક્ટર આગામી દાયકામાં મજબૂત આર્થિક વૃદ્ધિની સાથે જ વપરાશમાં પણ તેજીને કારણે 9-10%ના દરે વધીને $2 ટ્રિલિયનને આંબશે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને રિટેલર્સ એસો.ના રિપોર્ટ અનુસાર સંગઠિત રિટેલ સેક્ટરે પરફોર્મન્સ જાળવી રાખવું પડશે અને તેનો હિસ્સો પણ સતત વધારવા પર ફોકસ કરવું પડશે.
એક તરફ આવકની વૃદ્ધિ સ્થિર રહેશે અને ગ્રાહકો આવકને લઇને વધુ આશાવાદી જણાઇ રહ્યાં છે અને હવે તેઓ અનુભવ પર વધુ ખર્ચ કરવા તેમજ નવા વાહનો મારફતે વધુ બચત કરવા તરફ વધુ ઝોક ધરાવી રહ્યાં છે. ભારતીય રિટેલ સેક્ટર તમામ કેટેગરી અને ફોર્મેટમાં આગામી દાયકામાં $2 ટ્રિલિયનના કદને આંબશે તેવું BCGના એમડી અભીક સિંઘીએ જણાવ્યું હતું. રિપોર્ટ પ્રમાણે દેશનું રિટેલ માર્કેટ આગામી દાયકામાં 9-10%ના દરે વધીને $2 ટ્રિલિયનને આંબશે. ઐતિહાસિક રીતે સંગઠિત રિટેલ સેગમેન્ટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે પરંતુ વર્ષ 2023માં કેટલાક સમય માટે મંદી જોવા મળી હતી.
તાજેતરના ક્વાર્ટર દરમિયાન મોટા ભાગના સેગમેન્ટની વૃદ્ધિની ઝડપમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિટેલર્સે ભવિષ્યમાં ટકાઉ ગ્રોથ માટે કેટલાક સેગમેન્ટ પર ફોકસ કરવું પડશે. વ્યક્તિગત ગ્રાહક અનુભવ, નવા સહયોગ પર ફોકસ કરીને તેમજ કાર્યક્ષમતા વધારવા માટે AIનો ઉપયોગ કરીને આપણે દેશની રિટેલ ઇન્ડસ્ટ્રીને અસાધારણ ગ્રોથ સ્પર્ધાત્મક બનાવી શકીએ છીએ.