રાજકોટમાં શનિવારે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યા બાદ રવિવારે વધુ એક ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 37 ઈંચ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. શનિવારની સરખામણીએ રવિવારે બે ડિગ્રી તાપમાન ઘટ્યું હતું અને રાજકોટમાં મહત્તમ તાપમાન 33.7 ડિગ્રીએ પહોંચ્યું હતું. રવિવારે દિવસભર ગરમી અને બફારો રહ્યો હતો. સાંજના સમયે વાદળોથી આકાશ છવાયું હતું અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદ પૂર્વે તેજ ગતિથી પવન ફૂંકાયો હતો. અંદાજિત એક કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.