ગરમીને કારણે સ્થાનિક અને બીજા રાજ્યના શાકભાજીની આવક અને તેના ભાવ પર અસર પડી રહી છે. અત્યારે દૂધી,ગલકા, ટમેટાં, કોથમીર સહિતના શાકભાજી છૂટક માર્કેટમાં રૂ.100ની સપાટીએ પહોંચ્યા છે. મોટા ભાગના શાકભાજી અત્યારે બીજા રાજ્યમાંથી આવે છે. બીજા રાજ્યમાંથી આવતા શાકભાજીને ગરમીને કારણે રાજકોટ પહોંચે ત્યાં સુધીમાં અડધો-અડધ બગડી જાય છે. હજુ સુધી જુલાઇ સુધી ભાવ ઉંચા જ રહેશે. તેમ યાર્ડના ઈન્સ્પેક્ટર કનુભાઈ ચાવડાએ જણાવ્યું છે. શાકભાજીના ઉંચા ભાવને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે.
વધુમાં તેના જણાવ્યાનુસાર હાલ 80 ટકા શાકભાજી મધ્યપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાંથી આવે છે.જેમાં ટમેટાં, ભીંડો, ગુવાર, કોથમીર, ગુવાર, લીંબુ, બટેટા વગેરેનો સમાવેશ થાય છે. વરસાદ બાદ ભાવ ઘટશે. હાલ સૌથી વધારે ટમેટાં, કોથમીર અને લીંબુની ડિમાન્ડ વધારે છે. કોથમીર ઇન્દોરથી આવે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રમાં આકરો તાપ પડવાને કારણે અત્યારે કોથમીરનું વાવેતર શક્ય નથી.એટલે તેના ભાવ ઉંચા છે.