વૈશ્વિક સ્તરે ભારતીય ઇક્વિટી માર્કેટમાં તેજી જોવા મળી છે. આ વર્ષે અત્યાર સુધીમાં રોકાણકારોની સંપત્તિમાં રેકોર્ડ રૂ.110.57 લાખ કરોડનો વધારો થયો છે, જ્યાં બેન્ચમાર્ક સૂચકાંકોએ અનેક રેકોર્ડ તોડ્યા છે. બીએસઇ પર લિસ્ટેડ તમામ કંપનીઓની માર્કેટ વેલ્યૂએશન પણ સપ્ટેમ્બર સુધીમાં રૂ.477.93 લાખ કરોડના સર્વાધિક સ્તરે પહોંચી છે.
સેન્સેક્સ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 16.64% વધ્યો છે, રોકાણકારોને નોંધપાત્ર રિટર્ન મળ્યું છે. 27 સપ્ટેમ્બરના રોજ સેન્સેક્સ 85,978ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, જેણે અનેક રેકોર્ડ તોડ્યા હતા. એનાલિસ્ટોના મતે મજબૂત સ્થાનિક લિક્વિડિટીથી તેજીનું ઘોડાપૂર જોવા મળ્યું હતું.
સ્વસ્તિક ઇન્વેસ્ટમાર્ટ લિમિટેડના રિસર્ચ હેડ સંતોષ મીનાએ જણાવ્યું હતું કે આ વર્ષે મજબૂત સ્થાનિક લિક્વિડિટી, મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં રેકોર્ડ રોકાણને કારણે પણ માર્કેટમાં તેજી હતી. FIIથી વેચવાલીના દબાણ છતાં ઇક્વિટી માર્કેટ રેકોર્ડ ઊંચા સ્તરે પહોંચ્યું હતું, જેમાં રોકાણકારોને દમદાર રિટર્ન મળ્યું હતું. વર્ષનીશરૂમાં સેન્સેક્સ 72,271.94ના સ્તરે હતો અને હવે સેન્સેક્સ 84,266ના સ્તરે છે. રિટેલ રોકાણકારો માટે વર્ષ 2024 અંકદરે ઉત્કૃષ્ટ રહ્યું હતું અને ખાસ કરીને મિડકેપ અને સ્મોલકેપમાં માર્કેટનું મજબૂત પરફોર્મન્સ જોવા મળ્યું હતું. મિડકેપ આ વર્ષે અત્યાર સુધીમાં 34.32% વધ્યો છે, જ્યારે સ્મોલ કેપ ઇન્ડેક્સ 34.62% વધ્યો છે.