કાલાવડ રોડ, સત્ય સાંઇ હોસ્પિટલ મેઇન રોડ, અનંતાનગરમાં રહેતા હાર્દિકભાઇ નાગજીભાઇ પનારા નામના વેપારીએ કચ્છ જિલ્લાના લખપત તાલુકાના સુભાષપર ગામે રહેતા સુરૂપસિંહ ભૂરજી ગોહિલ સામે ફરિયાદ નોંધાવી છે.
કાગદડીમાં રામકૃષ્ણ કોર્પોરેશન નામથી ભાગીદારમાં કારખાનું ચલાવી તલની ખરીદ-વેચાણ કરતા વેપારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, મુંદ્રા પોર્ટ ખાતે નિખિલ મર્કન્ટાઇલ નામની કંપનીમાં તલનો જથ્થો મોકલવાનો હતો. જેથી રૂ.38.13 લાખના 25,045 કિલો તલનો જથ્થો સંજય રોડલાઇન નામના ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલવાનો હતો. જે જથ્થો ટ્રાન્સપોર્ટના સંચાલક મનોજભાઇએ ટ્રકચાલક સુરૂપસિંહ ગોહિલની ટ્રકમાં 21-6ની સવારે રવાના કર્યો હતો.
બે દિવસ બાદ ટ્રાન્સપોર્ટર મનોજભાઇએ ફોન કરી ભાગીદારને ટ્રક હાઇવેમાં ફસાઇ ગઇ હોવાની વાત કરી હતી. ત્યાર બાદ બ્રોકર રવિભાઇ ચંદારાણાને ફોન કરી અમારા તલ ભરેલી ટ્રક બાબતે પૂછતા તેમને હજુ સુધી ટ્રક અહીં આવી ન હોવાનું જણાવ્યું હતું.
જેથી ટ્રાન્સપોર્ટર મનોજભાઇને ફોન કરી ટ્રક અંગે પૂછતા ચાલક સુરૂપસિંહનો મોબાઇલ બંધ આવતો હોવાનું અને સંપર્ક થયે તમને જાણ કરીશનું કહ્યું હતું, પરંતુ દિવસો વીતી જવા છતાં ન તો મનોજભાઇનો ફોન આવ્યો કે ન ટ્રક અંગેના સમાચાર મળ્યાં. જેથી અમે ભાગીદારોએ ખાનગી રાહે તપાસ કરી હતી.
જે તપાસમાં એવું જાણવા મળ્યું કે, ટ્રકચાલક સુરૂપસિંહ તલનો જથ્થો ટ્રકમાં ભરી રાજકોટથી નીકળ્યો હતો. બાદમાં મોરબી પહોંચી સુરૂપસિંહે અન્ય ટ્રકને બોલાવી તેની ટ્રકમાં રહેલા તલના 834 કટ્ટા અન્ય ટ્રકમાં રખાવી દીધા હતા. બાદ ટ્રકચાલક સુરૂપસિંહે ખાલી તેની ટ્રક રેઢી મૂકી નાસી ગયાનું જાણવા મળ્યું હતું. આમ મુંદ્રા પોર્ટ મોકલેલો તલનો જથ્થો ટ્રકચાલક બારોબાર ચાંઉ કરી જતા કુવાડવા રોડ પોલીસ માં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.