બેંગલુરુની તરસ હજુ છીપાઈ નથી ત્યારે દેશના બીજા આઈટી હબ ચેન્નાઈમાં પાણી સુકાવા લાગ્યું છે. અહીંની સૌથી મોટું અને 43 ટકા વસ્તીની તરસ છીપાવતું વીરાનમ તળાવ હવે સુકાઈ ગયું છે. માત્ર કેટલાંક તળાવોમાં જ પાણી બચ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં પણ આવી સ્થિતિ સર્જાઈ હતી.
આ વખતે ત્રણ મહિના પહેલાં સ્થિતિ વણસી છે. 28 ફેબ્રુઆરીથી વીરાનમ તળાવમાંથી સપ્લાય બંધ છે. ચેન્નાઈ મેટ્રોપોલિટન વોટર સપ્લાય એન્ડ સીવરેઝ બોર્ડે તેને ‘મૃત’ જાહેર કર્યું છે. બોર્ડ મુજબ, ગયા વર્ષે આ જ સમયે તળાવમાં 773.95 મિલિયન ક્યુબિક મીટર (એમસીએફટી) પાણી હતું. તેની ક્ષમતા 1,465 એમસીએફટીની છે. પાણીના સંગ્રહના અન્ય સ્રોતોની હાલત પણ દયનીય છે. તેથી સપ્લાય ઘટાડી દેવાયો છે. એક દિવસ બાદ પાણી મળી રહ્યું છે. ભૂગર્ભજળમાં પણ અછત જોવા મળે છે.
ચેન્નાઈમાં સપાટીનું પાણી સંપૂર્ણપણે સુકાઈ જવાના આરે છે. ભૂગર્ભ જળ પણ ઝડપથી ઘટી રહ્યું છે. હાલમાં, 13.222 ટીએમસી ભૂગર્ભજળ સંગ્રહની જરૂર છે, પરંતુ માત્ર 7.746 ટીએમસી બાકી છે. ગયા વર્ષે 9.262 ટીએમસી હતું. ચેન્નાઈના પડોશી શહેર મેદાવક્કમના બોરવેલ એપ્રિલમાં જ સુકાઈ ગયા છે. આ વિસ્તારમાં નાનમંગલમ રિઝર્વ ફોરેસ્ટ હોવા છતાં અહીં ભૂગર્ભ જળનું સ્તર ઝડપથી તળિયે ગયું છે. લોકો ટેન્કરોથી કામ ચલાવી રહ્યા છે. તેના રેટ 1500 રૂપિયા સુધી છે.