જેતપુરપાવી તાલુકામાં ગત સપ્તાહમાં તેજગઢ પાસે રાયપુર કેનાલમાંથી મળેલા મૃતદેહની ભીતરમાં હત્યાકાંડ હોવાનું બહાર આવ્યું છે. પ્રેમિકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીનું કાળસ કાઢ્યાનો ખુલાસો થતાં પોલીસે પ્રેમીકા અને નવા પ્રેમીની ધરપકડ કરી છે.
પોલીસ મુજબ મોટી દુમાલીના નિલેશભાઈ ઈસાકભાઈનો (ઉ.વ.27)નો મૃતદેહ રાયપુર પાસે કેનાલમાંથી મળ્યો હતો. નિલેશનો મૃતદેહ હોવાની જાણ થતાં મૃતક નિલેશના ભાઇ પ્રકાશે તા.26 એપ્રિલ 2023ના રોજ જેતપુરપાવી પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ દ્વારા અકસ્માતે મોતની નોંધ કરાઈ હતી. નિલેશના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાતા ગળું દબાવી હત્યા કરાઈ હોવાનું સપાટી પર આવ્યું હતું. મૃતકના ભાઈ પ્રકાશે અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકીની વાત જણાવતાં પોલીસે ગણતરીના દિવસોમાં જ બંને આરોપીઓને પકડી પાડયા હતા.