વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આજે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાજકોટ આવી પહોંચ્યા હતા અને તેમણે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે મોરબીમાં બનેલી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં ભાજપ સરકારની સંડોવણી હોવાનું જણાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરતા પૂર્વે જનતા મોરબીના પુલની દુર્ઘટનાને યાદ રાખી મતદાન કરે તેવી મારી અપીલ છે. આ છે ગુજરાતનું વિકાસ મોડલ અને આ જ ગુજરાતનું 2-સી મોડેલનું ઉદાહરણ છે. 2-સી એટલે કે કમિશન અને કરપ્શન. ગુજરાતમાં ભાજપની સરકાર છે, જનતા હવે જાગશે નહીં તો મોરબી જેવી દુર્ઘટના વારંવાર બનતી રહેશે.
આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, મોરબીમાં થયેલી દુર્ઘટનાને ગુજરાત હાઇકોર્ટ પણ ગંભીરતાપૂર્વક લઈ રહી છે. મોરબી નગરપાલિકા નોટિસ પણ સ્વીકારતી નથી. સરકાર સ્માર્ટ બનાવની કોશિશ કરે છે, આ ટીપ્પણી હાઇકોર્ટે કરી છે. મૃતકોના પરિવારને 6 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. જો કે કેન્દ્ર સરકારે હજુ સુધી 2 લાખ આપ્યા નથી. અમારી માગ છે કે, મૃતકોના પરિવારજનોને 1 કરોડની સહાય આપવામાં આવે અને પરિવારના આધાર સ્તંભ જે લોકોએ ગુમાવ્યા તેમના પરિવારના સભ્યને રોજગારી આપવામાં આવે. 1 કરોડમાંથી અડધી રકમ ઓરેવા કંપની પાસેથી વસૂલવામાં આવે તે અમારી મુખ્ય માગ છે.