શહેરના જામનગર રોડ, બજરંગવાડી-15માં માવતરે રહેતી નફીસા નામની પરિણીતાએ મુંબઇના અંધેરી ખાતે રહેતા પતિ જાવેદ, જામનગર દિગ્વિજય પ્લોટમાં રહેતા સસરા અબ્દુલસતાર અબ્દુલકરીમ હોત, સાસુ ફરીદાબેન, નણંદ સહેલા શાહિદભાઇ બ્લોચ સામે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદ મુજબ, તેના જાવેદ સાથે પંદર વર્ષ પહેલાં લગ્ન થયા છે. લગ્નજીવન દરમિયાન સંતાનમાં દીકરો, દીકરી છે. જે બંને હાલ પતિ પાસે છે. લગ્ન બાદ પોતે જામનગર સાસરે ગઇ હતી. લગ્નના સાત વર્ષ બાદ પોતાને જાણવા મળ્યું કે, પતિ ક્રિકેટ સટ્ટો તેમજ જુગાર રમાડે છે.
દરમિયાન સટ્ટા અને જુગારમાં નાણાં હારી જતા પતિએ પિયરમાંથી રૂપિયા લઇ આવવા પોતાને દબાણ કર્યું હતું. જેથી પોતે પિયરથી નાણાં લઇ આવી પતિને આપતી હતી. આ સમયે સાસુ યેનકેન પ્રકારે પોતાની સાથે ઝઘડા કરી ત્રાસ આપતા અને પતિને ચડામણી કરી પોતાના દાંપત્યજીવનમાં તિરાડ પડાવતા હતા. ત્યારે એક વખત પતિ થાઇલેન્ડ ફરીને પરત આવ્યા હતા. આ સમયે પુત્ર પતિનો મોબાઇલ જોતો હતો ત્યારે પતિના અન્ય સ્ત્રીઓ સાથેના બીભત્સ ફોટા જોવા મળ્યા હતા. જેથી પુત્રે પોતાને ફોટા બતાવ્યા હતા. જે અંગે પતિને વાત કરતા આ બધું પહેલાનું છે કહી ઝઘડો કર્યો હતો.
પોતાના લગ્નના અઢી વર્ષ બાદ હત્યા કેસમાં અમદાવાદ જેલમાંથી બહાર આવેલા સસરા અને સાસુને પતિના કરતૂતની વાત કરતા તેમને પતિને સમજાવવાને બદલે પોતાની સાથે ઝઘડો કર્યો હતો અને કહ્યું કે, મારો દીકરો તો આમ જ રહેશે, તારે રહેવું હોય તો રહે તેમ કહી કાઢી મૂકી હતી. જેથી પોતે પિયર આવી ગઇ હતી. આ સમયે નણંદ સંતાનોને પોતાના વિરુદ્ધ ચડામણી કરી તમારી મમ્મી તમારી નથી, તે તમને મૂકીને જતી રહી છે. સંતાનોને તેમજ દાંપત્યજીવન ન તૂટે તેને ધ્યાને રાખી અને પતિ સુધરી જશે તેમ માની પોતે ચાર મહિના બાદ સમાધાન કરી પરત સાસરે આવી હતી.