રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 3 વર્ષ અગાઉ કરાયેલા રૂ.96.56 લાખનો ખર્ચ મંજૂર કરવા કરાયેલી દરખાસ્તને ગત 23-7ની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી આપ્યા બાદ ભારે વિવાદ ઊભો થયો છે ત્યારે હવે આ પ્રકરણમાં નવી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. જેમાં સ્ટેન્ડિંગ કમિટીના સિનિયર સભ્ય નેહલ શુક્લએ સંકલનની બેઠક પૂર્વે જ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરને પત્ર લખીને 3 વર્ષ જૂનો ખર્ચ નામંજૂર કરવા અનુરોધ કર્યો હતો. આમ છતાં મ્યુનિસિપલ કમિશનરે કરેલી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કરી લેવામાં આવી હતી. જેના પગલે રાજ્ય સરકારની નાણાકીય શિસ્તની ગાઇડલાઇનનો ભંગ થયો છે અને તેના માટે ભાજપ પ્રમુખ, સ્ટેન્ડિંગ ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર અને દરખાસ્ત મંજૂર કરનાર સ્ટેન્ડિંગના સભ્યો જવાબદાર હોવાનું સ્પષ્ટ બન્યું છે.
સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય નેહલ શુક્લએ ચેરમેન જયમીન ઠાકરને તા.23-7ના રોજ લેખિતમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડા નં.25, 26 અને 43 ઉપર જે આઇટમો કમિશનરના પત્ર અન્વયે એજન્ડામાં લેવામાં આવી છે તેની વિગતો ચકાસતા સંપૂર્ણત: આ એકપણ દરખાસ્તને મંજૂરી અપાય નહીં તેવું મારું સ્પષ્ટ મંતવ્ય છે. કારણ કે, એજન્ડાની દરખાસ્ત નં.25 અને કમિશનરના પત્ર ક્રમાંક નં.181 તા.25-1-2023 અને વિધાઉટ ટેન્ડર રૂ.50,78,911ની છે.
દરખાસ્ત નં.26 અને કમિશનરના પત્ર ક્રમાંક નં.182 તા.22-10-2022 નંબરનું બિલ ચૂકવાઇ જ ગયું છે તેમ છતાં માત્ર 12,456 રૂપિયા ચૂકવવાના બાકી છે તો પણ એનો સમાવેશ સમજણ બહારનો છે. આવી જ રીતે દરખાસ્ત નં.43 અને કમિશનરનો પત્ર ક્રમાંક નં.199 તારીખ 01-05-2022ની એજન્ડા આઇટમ જેમાં કુલ રૂ.45,65,249નો ખર્ચ છે આવી રીતે ત્રણેય આઇટમનો કુલ સરવાળો રૂ.95,56,616 થાય છે.