વૈશ્વિક સ્તરે સ્લોડાઉન, ઇક્વિટી માર્કેટમાં નિરાશા, આર્થિક સંકટ વચ્ચે ભારતીય રોકાણકારોને ભારતીય શેરમાર્કેટ અને મ્યુચ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝ પર ભરોસો વધાર્યો છે. મજબૂત રોકાણ પ્રવાહથી મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીઝની મેનેજમેન્ટ હેઠળની સંપત્તિ જાન્યુઆરીના અંતમાં રૂ.52.74 લાખ કરોડ પહોંચી જે ડિસેમ્બરના અંતે રૂ.50.78 લાખ કરોડ હતી.આમ જાન્યુઆરીમાં સરેરાશ બે લાખ કરોડનું રોકાણ આવ્યું છે.
વૈશ્વિક સ્તરે ભારતીય ઇક્વિટી માર્કેટ મજબૂત સ્થિતીમાં છે. મોટાભાગની કંપનીઓના વેલ્યુએશન ઘણા ઊંચા હોવા છતાં શેરમાર્કેટમાં તેજી જળવાઇ રહેશે તેવા આશાવાદે મ્યુચ્યુઅલ ફંડ્સના રોકાણકારો ઇક્વિટી માર્કેટમાં અને ખાસકરીને સ્મોલ અને મિડકેપ સેગમેન્ટમાં મોટાપાયે રોકાણ કરી રહ્યાં છે. જાન્યુઆરી માસમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સે રૂ. 21780 કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ અનુભવ્યો હતો જે સરેરાશ બે વર્ષમાં સૌથી વધુ માસિક રોકાણ દર્શાવે છે.
AMFI દ્વારા રજૂ કરાયેલા અહેવાલ અનુસાર ડિસેમ્બરમાં રૂ.17000 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો.જાન્યુઆરીમાં રોકાણ માર્ચ 2022 પછી સૌથી વધુ હતું જ્યારે ઇક્વિટી-ઓરિએન્ટેડ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂ.28,463 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો. ઇક્વિટી ફંડ્સમાં રોકાણ સતત 35મા મહિને પોઝિટિવ રહ્યું છે.વેલ્યુ ફંડને બાદ કરતાં તમામ કેટેગરીમાં ઇક્વિટી સેગમેન્ટમાં વૃદ્ધિ થઇ છે.
ડેટ ઓરિએન્ટેડ સ્કિમ્સમાં પણ રોકાણ વધ્યું
ઇક્વિટી ઉપરાંત ડેટ-ઓરિએન્ટેડ સ્કીમ્સમાં અગાઉના બે મહિનામાં ફંડ ઉપાડ્યા પછી જાન્યુઆરીમાં રૂ.76469 કરોડનો ચોખ્ખો પ્રવાહ જોવા મળ્યો હતો. ડિસેમ્બરમાં રૂ.75,560 કરોડ અને નવેમ્બરમાં રૂ.4,707 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો.વધુમાં, હાઇબ્રિડ સ્કીમ્સમાં રૂ. 20,637 કરોડનો પ્રવાહ જોવા મળ્યો હતો.