તપાસ એજન્સી EDએ BCCIના પૂર્વ પ્રમુખ એન શ્રીનિવાસનની કંપની ઈન્ડિયા સિમેન્ટ્સના ઓફિસ પર દરોડા પાડ્યા હતા. કંપનીની દિલ્હી અને ચેન્નઈમાં આવેલી ઓફિસની સર્ચ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કાર્યવાહી ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘનમાં કરવામાં આવી રહી છે. FEMAની રચના 1999માં વિદેશી ચલણના પ્રવાહને નિયંત્રિત કરવા માટે કરવામાં આવી હતી.
બુધવારથી ચેન્નઈમાં ઈન્ડિયા સિમેન્ટની બે ઓફિસ અને દિલ્હીમાં એક ઓફિસમાં સર્ચ ચાલી રહ્યું છે. કંપનીનું કહેવું છે કે તે એજન્સીની તપાસમાં સહકાર આપી રહી છે.
ઇન્ડિયા સિમેન્ટ દેશની સૌથી મોટી સિમેન્ટ કંપનીઓમાંની એક છે. આવકની દ્રષ્ટિએ તે 9મી સૌથી મોટી લિસ્ટેડ સિમેન્ટ કંપની છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં તેના 7 પ્લાન્ટ છે.
શ્રીનિવાસન CSKમાં 28.14% હિસ્સો ધરાવે છે
શ્રીનિવાસન IPL ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ના માલિક પણ છે. તેમના પરિવાર સાથે તેમની પાસે 28.14% હિસ્સો છે. શ્રીનિવાસન અને તેમની પુત્રી રૂપા ગયા વર્ષે જ CSK ટીમના માલિક તરીકે પરત ફર્યા હતા. તેમણે 2008માં ચેન્નઈ સુપર કિંગ્સ $91 મિલિયનમાં ખરીદી હતી. વર્ષ 2013માં એન શ્રીનિવાસનની ટીમ CSKનું નામ સ્પોટ ફિક્સિંગમાં આવ્યું હતું. આ પછી ટીમ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.