વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત રાજકોટમાં વાઈબ્રન્ટ રાજકોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 7150 કરોડના એમઓયુ થયા છે. વાઈબ્રન્ટ રાજકોટથી ઉદ્યોગમાં વેપારનું વાઈબ્રેશન આવશે તેમ ઉદ્યોગકારોએ પોતાનો મત વ્યક્ત કર્યો છે. અત્યાર સુધી રાજકોટમાં જે એમઓયુ થયા છે તેનાથી 20 હજાર લોકોને રોજગારી મળશે અને નવા 10 હજાર એકમો આવવાની સંભાવના સેવાઈ રહી છે.
આ ઉપરાંત સોયથી લઇને સોનાના વેપારને ફાયદો થશે. તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજર કિશોર મોરીએ જણાવ્યું છે. શાપરમાં બે દિવસીય વાઇબ્રન્ટ રાજકોટ સમિટનો પ્રારંભ રવિવારથી થયો છે. જેમાં પહેલે દિવસે રાજ્યભરમાંથી ખેતી, ઓટોમોબાઈલ, કાસ્ટિંગ, ફોર્જિંગ, ડિફેન્સ, કિચનવેર, હાર્ડવેર સહિતના અલગ- અલગ ક્ષેત્રના ઉદ્યોગકારો જોડાયા હતા.