14મેના રોજ તુર્કિયેમાં સામાન્ય ચૂંટણી છે. છેલ્લા બે દાયકામાં પહેલીવાર રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનનું ભાવિ અદ્ધરતાલ છે. તેમની સામે 74 વર્ષીય રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના કમાલ કલચદારલુ છે. જો કે કમાલની ઓળખ હવે ‘તુર્કિયેના ગાંધી’ તરીકે થઇ રહી છે. લોકો તેમને ‘ગાંધી કમાલ’ કહે છે. તેઓ મહાત્મા ગાંધીની જેમ ચશ્મા પહેરે છે, મુખ્ય વિપક્ષ રિપબ્લિકન પીપલ્સ પાર્ટીના કમાલની લોકપ્રિયતા એ હદે વધી છે 6 વિરોધ પક્ષે એર્દોગેન વિરુદ્ધ તેમને પોતાના ઉમેદવાર પસંદ કર્યા છે. આ ગઠબંધનને ‘ટેબલ ઑફ સિક્સ’ નામ આપ્યું છે. જાણો, કઇ રીતે એક શિક્ષણશાસ્ત્રી અને એર્દોગનના માટે એક મોટો પડકાર બન્યા છે.
અર્થશાસ્ત્રના નિષ્ણાત, ટોચના પદો પર રહ્યાં... હુમલા બાદ પણ ધીરજ ન ગુમાવી
1948માં જન્મેલા કમાલે અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ દેશની આર્થિક અને નાણાકીય સંસ્થાઓમાં સર્વોચ્ચ પદે રહ્યા છે. 2002માં તેઓ સીએચપી સાથે જોડાયા હતા. પક્ષની સ્થાપના આધુનિક તુર્કીના સંસ્થાપક મુસ્તફા કમાલ અતાતુર્કે કરી હતી.
ટર્નિંગ પોઇન્ટ ઃ 2010માં વીડિયો લીક બાદ સીએચપી પ્રમુખ બાયકલે રાજીનામું આપ્યું હતું. ત્યારે કમાલને પાર્ટીની કમાન સોંપાઇ હતી. પરંતુ તેઓને રુચિ ન હતી. નાગરિક અધિકાર, સામાજિક ન્યાય અને લોકશાહી માટે તો લડત આપતા જ હતા, 2011માં એર્દોગન પીએમ બન્યા બાદ કમાલે અભિયાનને વધુ ઝડપી કર્યું હતું. 2016માં તેમના કાફલા પર મિસાઇલ હુમલો થયો હતો. 2017માં ISએ બોમ્બથી હુમલો કર્યો હતો. 2019માં એક સૈનિકના અંતિમ સંસ્કાર દરમિયાન પણ તેમની હત્યાનું કાવતરું ઘડાયું હતું.