વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે ચાલુ ખાતાની ખાધ પર અસર કરતી ભારતની સોનાની આયાત 2022-23માં 24.15 ટકા ઘટીને 35 અબજ ડોલર રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના અહેવાલમાં દર્શાવાયું છે. 2021-22માં આયાત 46.2 અબજ ડોલર રહી હતી. ઓગસ્ટ 2022થી આ વર્ષે ફેબ્રુઆરી દરમિયાન આયાતમાં વૃદ્ધિ દર નકારાત્મક ઝોનમાં હતો. માર્ચ 2023માં વધીને 3.3 અબજ ડોલર રહી હતી. જોકે ચાંદીની આયાત ગત નાણાવર્ષ દરમિયાન 6.12 ટકા વધીને 5.29 અબજ ડોલર રહી હતી. સોનાની આયાતમાં નોંધપાત્ર ઘટાડો છતાં દેશની વેપાર ખાધને ઘટાડવામાં મદદ મળી નથી જેનું મુખ્ય કારણ આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત છે.
વર્ષ 2022-23માં મર્ચેન્ડાઇઝ વેપાર ખાધ 267 અબજ ડોલર હોવાનો અંદાજ છે જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 191 અબજ ડોલર હતી. ઇન્ડસ્ટ્રીઝના નિષ્ણાતોના મતે સોના પરની ઊંચી આયાત ડ્યુટી અને વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે કિંમતી ધાતુની આયાતમાં ઘટાડો થયો છે. ભારતે એપ્રિલ-જાન્યુઆરી 2023 દરમિયાન લગભગ 600 ટન સોનાની આયાત કરી હતી અને ઊંચી આયાત ડ્યૂટીને કારણે તે ઘટી છે. સરકારે સ્થાનિક ઉદ્યોગને મદદ કરવા અને નિકાસને આગળ વધારવા માટે ડ્યૂટીના ભાગ પર વિચાર કરવો જોઈએ તેમ એક નિષ્ણાતે જણાવ્યું હતું.