સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાંથી એક 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસની ટીમ આ મામલે તપાસમાં જોડાઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનું અપહરણ અન્ય કોઈએ નહીં પરંતુ તેના જ પિતાએ કરાવ્યું હતું. આ બનાવમાં પોલીસે બાળકના પિતા, ફોઈ અને બાળકના પિતાના મિત્રની ધરપકડ કરી છે. બાળકના અપહરણ કરવા પાછળ પણ જે કારણ સામે આવ્યું તે ખુબ જ ચોંકવારનારૂં છે. તેમજ બાળકના પિતા તેના સસરા પાસેથી ખંડણી માગવાની આશંકા હોવાને લઈને પણ પોલીસ તપાસ કરી રહી છે. સીસીટીવી ફૂટેજમાં એક ખોટા છોકરાની ઓળખી બતાવતા પોલીસને પિતા પર શંકા ગઈ હતી.
મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જીજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉતમભાઈ પાટીલના 6 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો રમતો ગુમ થઇ ગયો હતો. બાળક ગુમ થઇ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો કોઈ અતોપત્તો ન મળતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાળક ગુમ થઇ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવતા ડિંડોલી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો બાળકની શોધખોળમાં લાગી ગઇ હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં તેના જ પિતાની હિલચાલ શંકાસપદ લાગી હતી. જેથી પોલીસે બાળકના પિતા તારાચંદ ઉતમ પાટીલની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હોવાની કબુલાત કરી હતી.