ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં શ્રીલંકાના મિડલ ઓર્ડર બેટર કામિન્દુ મેન્ડિસે તેની કારકિર્દીની ચોથી સદી ફટકારી હતી. તેણે 114 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય કુસલ મેન્ડિસે 50 રન બનાવ્યા હતા.
બુધવારે પ્રથમ દિવસના સ્ટમ્પ્સ બાદ શ્રીલંકાના સ્કોર 7 વિકેટ ગુમાવીને 302 રન છે. ન્યૂઝીલેન્ડ તરફથી વિલ ઓ’રર્કે 3 અને ગ્લેન ફિલિપ્સે 2 વિકેટ ઝડપી હતી. આ મેચ ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. યજમાન શ્રીલંકાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
બુધવારે પ્રથમ સત્રમાં શ્રીલંકાની શરૂઆત સારી રહી ન હતી. ઓપનર પથુમ નિસાંકા 27 રન બનાવીને અને દિમુથ કરુણારત્ને 2 રન બનાવીને આઉટ થયા હતા. બંનેને વિલ ઓ'રર્કે પેવેલિયન મોકલ્યા હતા. આ પછી દિનેશ ચાંદીમલે 30 રન અને એન્જેલો મેથ્યુઝે 36 રનની ઇનિંગ રમી હતી. ચાંદીમલને સાઉથી અને મેથ્યુઝને વિલ ઓ'રર્કે આઉટ કર્યા હતા. કેપ્ટન ધનંજય ડી સિલ્વા 11 રને ગ્લેન ફિલિપ્સના હાથે આઉટ થયો હતો.