36મી નેશનલ ગેમ્સનું અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ઉદ્ધાટન સમારોહ થવાનો છે ત્યારે તેના આગલા દિવસે સંસ્કારધામ ખાતે પ્રથમ નેશનલ સ્પોર્ટ્સ કોન્ક્લેવ યોજાયો. આ કોન્ક્લેવમાં ઓલિમ્પિક મેડલિસ્ટ નીરજ ચોપરા, પી.વી. સિંધુ, ગગન નારંગ, વીવીએસ લક્ષ્મણ, અંજુ બોબી જ્યોર્જ સહિતના જાણીતા ખેલાડીઓ અને રમત-ગમત નિષ્ણાંત જોડાયા હતા.
નીરજ ચોપરાએ આ સમયે કહ્યું કે,‘હું જ્યારે રમતો ત્યારે ઘણા લોકો કહેતા કે તું જ્વેલિન થ્રોમાં શા માટે જાય છે, તેનો શું ફાયદો છે. ત્યારે લોકોમાં આ રમત અંગે ઓછી જાગૃકતા હતી પરંતુ હું પોતાની પર વિશ્વાસમાં રાખી આગળ વધ્યો.’ નીરજના ઓલિમ્પિક મેડલ બાદ દેશમાં મોડી રાતે કે વહેલી સવારે તેની રમત જોવા જાગે તે અંગે તેણે કહ્યું કે,‘હું વિદેશમાં રમતો હોવ ત્યારે ભારતમાં અલગ સમય રહે છે. પરંતુ આનંદ છે કે લોકો મારી રમત જોવા વહેલી સવારે કે મોડી રાતે જાગે છે.
આ અંગે જાણીને ઘણો આનંદ છે, લોકો રમત પ્રત્યે જાગૃક થઈ રહ્યાં છે.’ નીરજે 90 મીટરના લક્ષ્યાંક વિશે કહ્યું કે-‘મારો 90 મીટર સુધી પહોંચવાનો લક્ષ્યાંક 2018થી છે. હું સતત સારું પ્રદર્શન કરવા માગું છું. મને આનંદ છે કે આમ કરી રહ્યો છું.’
શૂટર ગગન નારંગે કહ્યું કે,‘એકસમય હતો કે લોકો ભારતીય ખેલાડીઓને જોતા પણ નહોતા. તે પછી સમય બદલાયો અને લોકો જોતા કે ગગન છે, અભિનવ છે એટલે ગોલ્ડ તો ગયા. એ દેશમાં આવેલ પરિવર્તન દેખાડે છે.’