ભારત વર્ષ 2047 સુધીમાં વિકસિત દેશ બનવા માટે પ્રતિબદ્ધ છે ત્યારે ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે દેશના બેન્કિંગ સેક્ટરે ગવર્નન્સ માળખા અને અન્ય કામગીરી વચ્ચે રહેલા અંતરને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે તેવું RBIના ડેપ્યુટી ગવર્નર એમ રાજેશ્વર રાવે જણાવ્યું હતું. RBI દ્વારા ગત મહિને યોજાયેલી બેન્કના ડાયરેક્ટર્સની કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે ઉજ્જવળ ભવિષ્યના લક્ષ્યને હાંસલ કરવા માટે ગ્રોથને સપોર્ટ કરવા માટે નાણાકીય સંસ્થાઓને પર્યાપ્ત પ્રમાણમાં નાણાકીય સંસાધનોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.
દેશમાં મજબૂત ગવર્નન્સ ફ્રેમવર્ક હશે તો નાણાકીય સંસ્થાઓ માટે સંસાધનો ઉભા કરવાનું કામ વધુ પડકારજનક નહીં રહે. આ સંદર્ભે નાણાકીય સંસાધનોના પ્રદાતા તેમજ ધિરાણદારોનો ભરોસો હાંસલ કરવો અને તેને જાળવી રાખવો પણ વધુ મહત્વપૂર્ણ બની રહેશે. મજબૂત ગવર્નન્સ, નિયંત્રણ અને નાણાકીય સંસ્થાઓમાં અન્ય કામગીરી મારફતે તે નક્કી કરી શકાય છે. અત્યારે ભારતનું બેન્કિંગ સેક્ટર વધુ મજબૂત, સ્થિતિસ્થાપક અને નાણાકીય રીતે વધુ સક્ષમ છે. એટલે જ કદાચ આ શ્રેષ્ઠ સમય છે જ્યારે ગવર્નન્સ ફ્રેમવર્ક, કામગીરીમાં રહેલું અંતર ઘટાડવું જોઇએ તેમજ ઉજ્જવળ ભવિષ્ય માટેની વ્યૂહરચના ઘડવી જોઇએ. તેમણે જણાવ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા શ્રેષ્ઠ પરફોર્મન્સ પૂરું પાડવામાં આવે તે જરૂરી છે પરંતુ તેનાથી વધુ મહત્વનું એ છે કે તે સ્વીકાર્ય ગ્રાહક અને માર્કેટ આચરણ અને શ્રેષ્ઠ કોર્પોરેટ ગવર્નન્સની પ્રેક્ટિસથી હાંસલ કરાય તે વધુ હિતાવહ છે.