વાહન ડીલરોના સંગઠન ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA)એ ટૂ-વ્હીલર્સ દેશના લાખો લોકોની મુખ્ય જરૂરિયાત હોવાથી તેને લક્ઝરી પ્રોડક્ટ હેઠળ વર્ગીકૃત ન કરવી જોઇએ તેવા તર્ક સાથે ટુ-વ્હિલર્સ પરના જીએસટીને 28%થી ઘટાડીને 18% કરવાનો અનુરોધ કર્યો છે. ટૂ-વ્હીલર્સ પરના જીએસટીને ઘટાડવાના આ સમયસર અને નિર્ણાયક હસ્તક્ષેપથી સામાન્ય વર્ગ માટે ટુ-વ્હિલર્સ વધુ સસ્તા થશે જેને કારણે ફરીથી માંગમાં રિકવરી થતા ઇન્ડસ્ટ્રીમાં તેજીના પ્રાણ ફૂંકાશે જે છેલ્લા કેટલાક વર્ષથી મંદીમાંથી પસાર થઇ રહી છે તેવું ફાડાએ જણાવ્યું હતું.
ફાડાના અધ્યક્ષ મનીષ સિંઘાનીયાએ જણાવ્યું હતું કે ટુ-વ્હિલર્સ ઇન્ડસ્ટ્રી અત્યારે મંદીમાંથી પસાર થઇ રહ્યું છે અને વધતી મોંઘવારી, ઉત્સર્જનના કડક નિયમો અને કોવિડ-19 બાદની અસરો જેવા અસાધારણ પડકારોનો સામનો કરી રહ્યું છે. તેથી જ જીએસટી કાઉન્સિલ માટે ટુ-વ્હિલર્સ પરના જીએસટી દરો ઘટાડવા માટે આ સાનુકૂળ સમય છે.