ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને હવે પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. બીજી તરફ ચૂંટણી લડવા માટે ઈચ્છુક ઉમેદવારોએ ટિકીટ માટેનું લોબિંગ પણ શરૂ કરી દીધું છે. આમ આદમી પાર્ટીએ ત્રણ યાદીમાં 29 ઉમેદવારો જાહેર કર્યાં છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી 15મી સપ્ટેમ્બરે ઉમેદવારો જાહેર કરવાની હતી પરંતુ હવે તે યાદી પાછી ઠેલાઈ શકે છે. કોંગ્રેસમાં 12મી સપ્ટેમ્બર સુધી ઉમેદવારોએ પોતાનો બાયોડેટા જમા કરાવવાનો હતો. પરંતુ 182 સીટો પર 600થી વધુ દાવેદારોના બાયોડેટા મળતાં હવે 15મી સપ્ટેમ્બરની જગ્યાએ સપ્ટેમ્બરના અંત સુધીમાં કોંગ્રેસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે.