રાજકોટમાં વધુ એક ધતિંગ લીલાનો પર્દાફાશ થયો છે. જન વિજ્ઞાન જાથા દ્વારા 1267મો પર્દાફાશ કરવામા આવ્યો છે. જેમાં જેતપુરના જેપુર ગામે છેલ્લા 20 વર્ષથી ભૂઇ મા તરીકે કામ કરતા અને દશામાનો મઢ ધરાવતા ભાવનાબેન મકવાણા લોકોના દુઃખ દર્દ દૂર કરવા માટે પૂનમ ભરવા માટેનું કહેતા હતા અને ભભૂતિ આપતા હતા. જે માટે રૂ. 5,000થી રૂ. 20,000 લેતાં હતા. દર મહિને 1,000 જેટલા લોકો દાણા જોવડાવવા આવતા હોવાની કબૂલાત ભૂઇ માએ પોલિસ સમક્ષ આપી છે.
આજે જ્યારે એક પીડિતાના ઘરે ઘરકંકાસ દૂર કરાવવા માટે સાસરિયા દ્વારા ભૂઈ માને ઘરે બોલાવવામાં આવી અને આ ભુઇ મા સવારથી પરિણીતા પર વિધિ કરતા હતા. જેનાથી કંટાળીને પરિણીતાએ જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો અને ભુઇ માનો પર્દાફાશ થયો. પીડિતાએ રડતા રડતા કહ્યું કે, અત્યાર સુધીમાં મારા પતિ સહિતનાં સાસરિયાં દ્વારા 3 ભુવાને બોલાવવામાં આવેલા છે અને આ ચોથા ભૂઇ મા છે. એક ભુવા સાથે તો મને સ્નાન પણ કરાવડાવ્યું હતું.
રાજકોટમાં લોકોને દુઃખ દર્દ દૂર કરવાના નામે છેતરતી ભૂઇ મા ઝડપાઈ છે. રાજકોટમાં રહેતી પીડિતા સાસરિયા વાળાના ભૂવાના ત્રાસથી કંટાળી ગઈ હતી. જેથી જન વિજ્ઞાન જાથાનો સંપર્ક કર્યો હતો. જેમાં લોકોને ઠગતી ભૂઇ માનો પર્દાફાશ થયો હતો. પીડિતાએ કહ્યું હતું કે, હું આ પરિવારને નડી રહી છું તેવું સાસરિયાને લાગી રહ્યું છે. જેથી ભૂવાઓના ત્રાસથી હું કંટાળી ગઈ છું. અત્યાર સુધીમાં પરિવાર દ્વારા 60 હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા છે અને તે વ્યાજે લેવામાં આવ્યા હતા અને તેનું વ્યાજ પણ હું ભરી રહી છું. જોકે માલવિયા નગર પોલીસ મથક ખાતે પોલીસની હાજરીમાં ભૂઇ મા દ્વારા જાથા સમક્ષ ખાતરી આપવામાં આવી હતી કે પોતે પોતાની ધતિંગ લીલા બંધ કરે છે.