શહેરના મવડી વિસ્તારમાં એક વર્ષથી ભુવાની સાથે રહેતી નર્સિંગની યુવતીએ હોળીના દિવસે ઝેરી દવા પી લીધી હતી, જેનું સોમવારે રાત્રે મોત નીપજ્યું હતું, મવડીના ભુવાએ યુવતીને તેના પિતા ગુજરી જશે તેની વિધિ કરવી પડશે તેમ કહી તેને ફસાવી હતી અને પોતાની સાથે રાખતો હતો, ભુવાના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાત કરી લેતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
કોમલ કેતનભાઇ સાગઠિયા (ઉ.વ.26)ને હોળીની સાંજે ભુવા કેતન સાગઠિયાએ હોસ્પિટલમાં ખસેડી હતી, કોમલે ઝેરી દવા પીધાનું જણાવ્યું હતું, બાદમાં સોમવારે રાત્રે યુવતીનું મૃત્યુ થતાં કેતન નાસી ગયો હતો, બીજીબાજુ ઘટનાને પગલે ભગવતીપરામાં રહેતા કોમલના પિતા ધીરજભાઇ ધનજીભાઇ સાગઠિયા સહિતના પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમે દોડી ગયા હતા અને તેમણે ભુવા કેતન સાગઠિયા સામે ગંભીર આક્ષેપ કર્યા હતા, ધીરજભાઇએ કહ્યું હતું કે, પોતે મનપામાં સોલિડ વેસ્ટ વિભાગમાં ફરજ બજાવે છે અને તેમને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી છે, જેમાં કોમલ મોટી હતી ને તે નર્સિંગનો અભ્યાસ કરતી હતી.
એકાદ વર્ષ પહેલા માતાજીના માંડવામાં કોમલનો પરિચય કેતન સાગઠિયા સાથે થયો હતો અને કેતને કોમલને ડરાવી હતી કે તેના પિતા ગુજરી જશે તેની વિધિ કરાવવી પડશે, પિતાનો જીવ બચાવવા કોમલ મવડીમાં કેતન સાગઠિયા પાસે દાણા જોવડાવવા જતી હતી અને કેતને આ રીતે કોમલને પોતાની જાળમાં ફસાવી લીધી હતી, કોમલ પિતાનું ઘર છોડીને કેતન સાગઠિયાની સાથે મવડીમાં રહેવા લાગી હતી.
અગાઉ તા.1 મેના કોમલે ઝેરી દવા પીધી હતી ત્યારે તેણે ચિઠ્ઠી લખી હતી તેમાં જણાવ્યું હતું કે, કેતન ભુવાના ત્રાસ અને તે પૈસા ખાઇ ગયો હોવાથી પોતે વખ ઘોળે છે, હોસ્પિટલમાં સારવાર બાદ પરિવારજનો કોમલને પોતાના ઘરે લઇ ગયા હતા પરંતુ તા.9 મેના કોમલ ફરીથી ભુવાના ઘરે જતી રહી હતી, તેના ત્રણ મહિના પછી કોમલે પોતાને ખુબ ત્રાસ હોવાની જાણ કરતાં પરિવારજનો તેડવા ગયા ત્યારે કેતન સાગઠિયાએ યુવતીને જવા દીધી નહોતી અને અંતે હોળીના દિવસે ફરીથી કોમલે વખ ઘોળી લીધું હતું, પોલીસે કેતન સાગઠિયા સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.