ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોક રક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) અને જેલ સિપાઈ વર્ગ-3 સંવર્ગની 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી છે.
4 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ઉમેદવારો ઓજસ વેબસાઈટ https://ojas. gujarat.gov.in/ ઉપર ફોર્મ ભરી શકશે. વેબસાઈટ પર નિયત કરેલા ફોર્મમાં અરજી કરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. આ ભરતી અંગે વિસ્તૃત માહિતી ઉમેદાવરો ઓજસ વેબસાઇટ પર જોઇ શકશે.
જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પીએસઆઈ કેડર માટે રૂ.100, લોકરક્ષક કેડર માટે રૂ.100 અને બંનેમાં ફોર્મ ભરે તો રૂ.200 રાખવામાં આવી છે. જ્યારે એસ.સી, એસ.ટી, EWS, માજી સૈનિક કેટેગરી સહિતના ઉમેદવારોએ ફી ભરવાની નથી. ફી ફક્ત ઓનલાઈન માધ્યમથી જ ભરવાની રહેશે, બેંક કે પોસ્ટ ઓફિસમાં રોકડેથી ભરી શકાશે નહીં. ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ 7 મેના રાત્રે 23.59 કલાક સુધી ભરી શકાશે.
પોલીસ ભરતી બોર્ડ દ્વારા PSIથી લઈને જેલ સિપાઈ સુધીના વર્ગ 3ની ભરતી માટે અલગ-અલગ વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવી છે. PSI માટે લઘુતમ 21 વર્ષ અને મહત્તમ 35 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જેમાં કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલા હોવા જોઈએ. જ્યારે લોકરક્ષક, કોન્સ્ટેબલ, જેલ સિપાઈ માટે લઘુતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષની વયમર્યાદા રાખવામાં આવી છે. જ્યારે શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા હાયર સેકન્ડરી પરીક્ષા અથવા તો ધોરણ 12 પરીક્ષા સમકક્ષ પાસ થયેલા હોવા જોઈએ.