કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY) નામથી વીમા યોજના ચલાવે છે. યોજનામાં લાભાર્થીના કોઈપણ રીતે મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. એટલે કે, જો કોઈ વ્યક્તિનું બીમારી અથવા અકસ્માતને કારણે મૃત્યુ થાય છે, તો વીમાધારક વ્યક્તિના નોમિની અથવા પરિવારને વીમા તરીકે 2 લાખ રૂપિયા મળશે. અમે તમને આ સ્કીમ વિશે જણાવી રહ્યા છીએ.
આ એક ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે
PMJJBY ટર્મ ઇન્શ્યોરન્સ પ્લાન છે. ટર્મ ઇન્શ્યોરન્સમાં લાભ પોલિસીધારકના મૃત્યુ પછી જ મળે છે. જો પોલિસીધારક મુદત પૂરી થયા પછી સ્વસ્થ રહે છે, તો તેને કોઈ લાભ મળતો નથી. 18થી 50 વર્ષની કોઈપણ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.
436 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરવાનું રહેશે
PMJJBYનો લાભ લેવા માટે દર વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. પ્રીમિયમની આ રકમ 25 મેથી 31 મે દરમિયાન ખાતામાંથી આપમેળે કપાઈ જશે. આ માટે અરજદારે પોતાની સંમતિ આપવી પડશે.
કવરનો સમયગાળો 1 જૂનથી 31 મે સુધી
કવર પિરિયડ 1 જૂનથી 31 મે સુધીનો હોય છે. આનો અર્થ એ છે કે PMJJBY પોલિસી જે પણ તારીખે ખરીદવામાં આવે છે, પ્રથમ વર્ષ માટે તેનું કવરેજ આગામી વર્ષની 31મી મે સુધી જ રહેશે. આમાં સ્કીમમાં નોંધણીના 45 દિવસ પછી રિસ્ક કવર ઉપલબ્ધ છે.
બેંક ખાતું હોવું જરૂરી
PMJJBYનો લાભ લેવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું આવશ્યક છે. આ બેંક એકાઉન્ટ સરકારી અથવા ખાનગી બેંકમાં હોઈ શકે છે. આ પછી અરજદારે PMJJBYનો લાભ લેવા માટે અરજી કરવાની રહેશે.
કેવી રીતે મળે છે ઇન્શ્યોરેન્સ ક્લેમ ?
નોમિનીએ વીમા કંપની અથવા બેંકમાં ક્લેમ કરવો પડશે જ્યાં વ્યક્તિનો વીમો લેવામાં આવ્યો છે. ડેથ સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે. ડિસ્ચાર્જની રસીદની સાથે અન્ય જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.