જેતપુર શહેરના એક વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓના ઓર્ડર મુજબ ધાણાનો જથ્થો ટ્રક મારફત મોકલ્યો હતો. પરંતુ તે ટ્રક આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રકના ચાલક, ક્લિનર તેમજ ટ્રકના માલિક વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
શહેરના માર્કેટિંગ યાર્ડ પાસે સિધ્ધેશ્વર એગ્રી એક્સપોર્ટના નામથી જથ્થાબંધ અનાજ કરિયાણાનો વેપાર કરતા જીતુભાઇ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદી જુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો. પેઢીઓના ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો 500 ગુણીનો જથ્થો ટ્રક મારફત આંધ્રપ્રદેશના વિશાખાપટનમ ખાતે મોકલ્યો હતો. અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટના યાસીનભાઈએ લીધી હતી, જેથી તેઓને માલના ભાડા પેટેના ૬૩ હજાર રૂપિયા ગૂગલ પેથી ચૂકવી દીધા હતા.