આઈઆઈટી કાનપુર, અમદાવાદની એલડી એન્જિ. કોલેજ અને ઈટલીની પલેર્મો યુનિવર્સિટીએ હાથ ધરેલા 8 વર્ષના સંયુક્ત રિસર્ચમાંથી જાણવા મળ્યું છે કે, ભુજ શહેરની ઉત્તર દિશામાં અંદાજે 25 કિલોમીટર દૂર પસાર થતી મેઈનલેન્ડ ફોલ્ટ એક્ટિવ છે. ભૂકંપના પ્રાગૈતિહાસિક અભ્યાસમાં અહીં દર 2 હજાર વર્ષમાં ભૂકંપના પુરાવા મળ્યા છે અને અહીં વર્ષોથી ઊર્જા એકઠી થઈ રહી છે. ભવિષ્યમાં કોઈ મોટો ભૂકંપ આવે તો આ વિસ્તાર તેનું સંભવિત કેન્દ્રબિંદુ હોઈ શકે છે.
વિજ્ઞાનીઓનું કહેવું છે કે, કચ્છમાં થતાં નિર્માણ માટે ભૂકંપની ગાઈડલાઈનનું કડકાઈથી પાલન થવું જોઈએ. ગેસની પાઈપલાઈન નાખવી હોય કે કોઈ મોટો કેમિકલ ઉદ્યોગ નાખવો હોય તો તેના પહેલાં જમીનનો ઊંડો અભ્યાસ અને તપાસ જરૂરી છે. આ અભ્યાસ 21 મેએ નેચર જર્નલમાં પ્રસિદ્ધ થયો હતો. આ અગાઉ આ પ્રકારનો અભ્યાસ હિમાલય ક્ષેત્રમાં થયો હતો જેમાં ભૂકંપની સંભાવના અને તે કેટલો વિનાશકારી હોય છે તેનો ઉલ્લેખ હતો. આ જ ટીમે કચ્છમાં અભ્યાસ કર્યો છે. કચ્છ પહેલેથી જ ભૂકંપના સંભવિત જોખમોના દૃષ્ટિકોણથી ઝોન 5માં આવે છે. અહીંથી પસાર થતી જુદી જુદી ફોલ્ટ લાઈનમાં છેલ્લા 200 વર્ષમાં 73 ભૂકંપ આવ્યા છે, જેમાંથી 3 ભયંકર વિનાશકારી હતા. આ અભ્યાસ ચેતવણી આપે છે કે, 2001માં આવેલા વિનાશકારી ભૂકંપને ધ્યાનમાં લીધા વગર બેદરકારીથી અને આડેધડ જે નિર્માણ થઈ રહ્યા છે તેના પર અંકુશ જરૂરી છે.