દર વર્ષે ભાદરવા મહિનાના વદ પક્ષને પિતૃપક્ષ સ્વરૂપમાં ઊજવવામાં આવે છે. આ વર્ષે 25 સપ્ટેમ્બર સુધી પિતૃપક્ષ રહેશે. આ દિવસોમાં કરેલાં શ્રાદ્ધ અને તર્પણથી પિતૃ દેવતાઓને તૃપ્તિ મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે ઘર-પરિવારના મૃત સભ્યોને જ પિતૃ દેવતા સ્વરૂપમાં પૂજવામાં આવે છે. તેમની આત્માની તૃપ્તિ માટે શ્રાદ્ધ પક્ષમાં પુણ્ય કર્મ કરવામાં આવે છે. જાણો થોડી આવી જ વાતો જે પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરતી સમયે ધ્યાનમાં રાખવી જોઇએ.
શ્રાદ્ધ કર્મ અથવા તર્પણ કરતી સમયે ચાંદીના વાસણનો ઉપયોગ કરવો જોઇએ.
પિતૃઓને અર્ઘ્ય આપવા માટે પિંડદાન કરવા માટે અને બ્રાહ્મણોને ભોજન કરાવવા માટે ચાંદીના વાસણનો ઉપયોગ કરવો જોઇએ.
જો ઘરમાં ચાંદીના વાસણ ન હોય તો કાંસા કે તાંબાના વાસણનો ઉપયોગ પણ કરી શકો છો. જો આ વાસણ પણ ન હોય તો પતરાળા પણ બ્રાહ્મણોને ભોજન ખવડાવી શકો છો.
શ્રાદ્ધ કર્મ માટે ગાયનું દૂધ અને ગાયના દૂધથી બનેલું ઘી, દહીંનો ઉપયોગ કરવો જોઇએ.
પિતૃઓને ધૂપ આપતી સમયે વ્યક્તિએ જમીન ઉપર બેસવું નહીં. રેશમી, ઊન, લાકડા કે કુશના આસન ઉપર બેસીને જ શ્રાદ્ધ કરવું જોઇએ.
પિતૃ પક્ષમાં બ્રાહ્મણ અને અન્ય જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઇએ. બ્રાહ્મણોને શાંતિથી ભોજન કરાવવું જોઇએ. માન્યતા છે કે, ભોજન કરતી સમયે જ્યાં સુધી બ્રાહ્મણ મૌન રહે છે ત્યાં સુધી પિતૃ દેવતા પણ ભોજન ગ્રહણ કરે છે.
ધ્યાન રાખો જો કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિ આપણાં ઘરે આવે છે તો તેને ખાલી હાથ જવા દેવા જોઇએ નહીં. તેને ધન અથવા અનાજનું દાન જરૂર કરવું જોઇએ. તેને ભોજન પણ આપી શકો છો.
બ્રાહ્મણને ભોજન કરાવ્યા બાદ ધનનું દાન આપો અને સન્માન સાથે તેમને વિદાય કરવાં જોઇએ.
પિતૃપક્ષમાં પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ વગેરે કર્મનું ફળ મેળવવા માંગો છો તો ઘરમાં ક્લેશ કરવો નહીં. પતિ-પત્ની અને પરિવારના બધા સભ્યોએ પ્રેમથી રહેવું જોઇએ. જે ઘરમાં અશાંતિ હોય છે, ત્યાં પિતૃ દેવતા પિંડદાન, તર્પણ, શ્રાદ્ધ કર્મથી તૃપ્ત થતાં નથી.