વૈશ્વિક તેમજ સ્થાનિક સ્તરે સોનાની સતત વધી રહેલી કિંમતોને કારણે દેશમાં માગ ઘટી છે. વૈશ્વિક સ્તરે પણ માગમાં ઘટાડો જોવા મળ્યો છે. 2023 ના બીજા ક્વાર્ટરમાં (એપ્રિલ-જૂન) ઊંચા ભાવને કારણે સોનાની માંગ 7% ઘટીને 158.1 ટન થઈ હતી. જે એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં તે 170.7 ટન હતી. વેલ્યુ મુજબ માગ ચાર ટકા વધીને 82530 કરોડ રહી છે જે અગાઉના વર્ષે આ સમયમાં રૂ.79270 કરોડ હતી. ઉંચી કિંમતોના કારણે હવે 22 કેરેટને બદલે 18 કેરેટ સોનાના દાગીનાની માંગ વધી રહી છે ઓછી કિંમતના કારણે લોકો 18 કેરેટ સોનાના ઘરેણાં તરફ આકર્ષાઈ રહ્યા છે. જ્વેલરીની માગમાં 8 ટકાનો ઘટાડો થઇ 128.6 ટન રહી છે જે અગાઉના વર્ષે આ સમયમાં 140.3 ટન રહી હોવાનું વલ્ડ ગોલ્ડ કાઉન્સિલનાના અહેવાલમાં દર્શાવાયું છે. વલ્ડ ગોલ્ડ કાઉન્સિલના ઈન્ડિયાના પ્રાદેશિક સીઈઓ સોમસુંદરમ પીઆરએ જણાવ્યું હતું કે સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈએ પહોંચવાને કારણે બીજા ક્વાર્ટરમાં સોનાની માંગમાં 7%નો ઘટાડો થયો છે. ગ્રાહક સેન્ટિમેન્ટને અસર થઈ છે. સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ રૂ.64000ની સપાટી સુધી પહોંચ્યા હોવાના કારણે ડિમાન્ડ ઘટી છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ઉંચી કિંમતોના કારણે રિસાયકલનું પ્રમાણ વધી રહ્યું છે. રિસાયકલ 61 ટકા વધી 37.6 ટન રહ્યું છે જે અગાઉના વર્ષે આ સમયમાં 23.3 ટન રહ્યું હતું. જ્યારે આયાત 16 ટકા વધી 209 ટન રહી હતી જે અગાઉના વર્ષે 180.7 ટન રહી હતી. વૈશ્વિક સ્તરે ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડની માગ ઘટી 21 ટન રહી છે.