Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનના કેરટેકર વડા પ્રધાન અનવર-ઉલ-હક કાકરે ભારતને ચેતવણી આપી છે. પાકિસ્તાની મીડિયા ધ ન્યૂઝ ઈન્ટરનેશનલ અનુસાર, કાકરે કહ્યું- જો ભારત લોકસભા ચૂંટણી પહેલા 2019માં બાલાકોટ સ્ટ્રાઈક જેવો હુમલો કરશે તો પાકિસ્તાન 2019ની જેમ જ જવાબ આપશે.


પાકિસ્તાની મીડિયા ચેનલના પોડકાસ્ટ દરમિયાન કાકરે કહ્યું- અમે તેમના વિમાનો પર હુમલો કરીશું. અમારી ગોળીઓ કે અમારો સંકલ્પ, કશું જૂનું નથી થયું. અમારી પાસે નવી ગોળીઓ છે અને અમારો સંકલ્પ પણ તદ્દન નવો અને તાજો છે. પાકિસ્તાને છેલ્લા કેટલાક વર્ષોમાં તેની સૈન્ય તાકાતમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

પાકિસ્તાની PMએ વધુમાં કહ્યું- પાકિસ્તાનની પ્રતિક્રિયા અંગે કોઈએ ભ્રમમાં ન રહેવું જોઈએ. દેશની સુરક્ષા માટે આપણું સંરક્ષણ તંત્ર તૈયાર છે. પોડકાસ્ટમાં વડા પ્રધાને કહ્યું કે જ્યાં સુધી કાશ્મીર સમસ્યાનું સમાધાન નહીં થાય ત્યાં સુધી બંને દેશો વચ્ચે વિવાદ ચાલુ રહેશે અને તે ગમે ત્યારે વધી શકે છે.

પાકિસ્તાનમાં ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણી વિશે વાત કરતાં કાકરે કહ્યું- ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન જેવા વિસ્તારોમાં આતંકવાદી હુમલાનો ખતરો છે, પરંતુ સ્થિતિ હજુ એ સ્તરે પહોંચી નથી કે ચૂંટણી પર સવાલો ઉઠાવવામાં આવે. અમે પાકિસ્તાનમાં ચૂંટણીની તારીખ બદલવાની વિરુદ્ધ છીએ. માત્ર પાકિસ્તાનના ચૂંટણી પંચને ચૂંટણીની તારીખો સંબંધિત કોઈપણ નવો નિર્ણય લેવાનો અધિકાર છે.

બલૂચિસ્તાનના મુદ્દે કાકરે કહ્યું- BLA, BRA અને BLF જેવા આતંકવાદી સંગઠનો અહીં સક્રિય છે, જેને પાકિસ્તાનની બહાર પણ આતંકવાદી માનવામાં આવે છે. તહરીક-એ-તાલિબાન (TTP) મુદ્દે પાકિસ્તાન પીએમે કહ્યું કે અફઘાન સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. તેના વર્તનમાં સકારાત્મક ફેરફારો થયા છે.