કોઠારિયા રોડ પરના કિરણનગરમાં બેંક કર્મચારીએ ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. તેમજ બાંધકામ સાઇટ પર શ્રમિકે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. કોઠારિયા રોડ પર હુડકો પોલીસ ચોકી પાછળના કિરણનગરમાં રહેતા રિષભ નવનીતભાઇ દેગડા (ઉ.વ.26)એ પોતાના ઘરે છતના હૂકમાં સાડી બાંધી ફાંસો ખાઇ લીધો હતો. ઘટનાની જાણ થતાં ભક્તિનગર પોલીસ દોડી ગઇ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રિષભ એક બહેનનો એકનો એક ભાઇ હતો અને રણછોડનગરમાં એચડીએફસી બેંકમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતો હતો.
બુધવારે સાંજે દેગડા પરિવારના સભ્યો સંબંધીને ત્યાં જમવા ગયા હતા. રિષભ જમીને પોતે ઘરે જાય છે તેમ કહી રવાના થયો હતો અને પરિવારના સભ્યો થોડીવાર માટે રોકાયા હતા, દેગડા પરિવારના સભ્યો ઘરે પહોંચ્યા ત્યારે રિષભનો લટકતો દેહ જોવા મળ્યો હતો. આપઘાતનું કારણ જાણવા પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી. જામનગર રોડ પર જલારામ મંદિર નજીક નવી બની રહેલી વર્ધમાન કન્સ્ટ્રક્શનની સાઇટ પર મજૂરી કામ કરતા ઉત્તર પ્રદેશના રોહિત બંસીલાલ કનેશે (ઉ.વ.20) છતના હૂકમાં શર્ટ બાંધી ફાંસો ખાઇ લીધો હતો.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રોહિત પંદર દિવસ પૂર્વે જ મજૂરીકામ માટે રાજકોટ આવ્યો હતો અને તે બે ભાઇ અને એક બહેનમાં વચેટ હતો. તેની પત્ની હાલમાં સગર્ભા છે. બનાવથી કનેશ પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.જ્યારે અન્ય એક બનાવમાં જામનગર રોડ પરના પરસાણાનગરમાં રહેતા વિનોદભાઇ વજુભાઇ વાડોદરિયા (ઉ.વ.50)એ ગત તા.26ના પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશન નજીક રોડ પર ઝેરી દવા પી લેતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને ગુરુવારે તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, વિનોદભાઇ મહાનગરપાલિકામાં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતા હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આર્થિક સંકડામણને કારણે વિનોદભાઇએ પગલું ભર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.