ધોરાજી તાલુકાના મોટી પરબડી ,તોરણીયા, નાની પરબડી ગામના લોકોને પીવા માટે મીઠું પાણી મેળવવા પગે પાણી ઉતરી રહ્યા છે. પાણી મેળવવાં ભારે હાલાકી પડી રહી હોઇ, તંત્ર વાહકો દ્વારા પૂરતા પ્રેશરથી નર્મદા યોજનાનું પાણી પુરું પાડવા માગણી ઉઠી છે. ધોરાજી તાલુકાના મોટી પરબડી, તોરણીયા, નાની પરબડી ગામે જૂથ યોજનાનું પીવાનું પાણી અપૂરતાં પ્રેશરથી આપવામાં આવતું હોઇ, તે પુરું પડતું નથી અને લોકોને સંપ સુધી ધક્કો ખાવો પડી રહ્યો હોઇ, પુરતું પાણી આપવા માગણી ઉઠી છે.
અત્યારે નહીં તો પાણીની જરૂર ક્યારે પડે !
મોટી પરબડીના સરપંચ સુરેશભાઈએ જણાવ્યું હતું કે મોટી પરબડી સહિતના ગામોને પૂરતાં પ્રેશરથી જૂથ યોજનાનું પીવાનું પાણી મળતું નથી. ભર ઉનાળે પાણીની જરૂર હોય ત્યારે જ પાણી ન મળે તો કરવાનું શું! અમારી આ સમસ્યા બાબતે તંત્ર વાહકો ધ્યાન આપે અને માગણી સ્વીકારે તે જરૂરી છે. બીજી તરફ ગ્રામજનોએ પણ પાણી માટે પોકાર કર્યા હતા અને મીઠું પાણી આપવા માગણી કરી છે.
ચોકી ગામ પાસેથી પાણી આપો તો'ય સારું
તોરણીયાના સરપંચ અંકીતભાઈ પટેલે જણાવ્યું હતું કે ધોરાજી તાલુકાના અમારા આ ગામને નર્મદા યોજનાનું પીવાનું પાણી મળતું જ ન હોવાથી લોકોને જ્યારે ખરેખર જરૂર છે ત્યારે જ પાણી મળતું નથી. આથી તંત્ર દ્વારા તોરણીયા નજીક આવેલા જૂનાગઢ જિલ્લાના ચોકી ગામ પાસેથી નર્મદા યોજનાનું પીવાનૂું પાણી પૂરૂ પાડવામાં આવે તે આવશ્યક છે.