શાપરથી રાજકોટ તરફ ઢોલરા રોડ પર યુવક પર બે શખ્સે છરીથી હુમલો કરતાં યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. લોધિકાના પાળ પીપળિયાની સીમમાં અવધ રેસિડેન્સીમાં રહેતો અને ડ્રાઇવિંગ કરતો પરાક્રમસિંહ ખોડુભા જાડેજા (ઉ.વ.26) મંગળવારે સવારે પોતાનું બાઇક ચલાવીને ગોંડલ રોડ ચોકડી તરફ આવી રહ્યો હતો અને ઢોલરા રોડ પર પહોંચ્યો હતો ત્યારે પાછળથી બાઇકમાં કરણ બારોટ અને એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને પરાક્રમસિંહને આંતરી તેમના પર છરીથી હુમલો કર્યો હતો.
યુવકે દેકારો કરતાં અન્ય લોકો આવી પહોંચતા હુમલાખોરો નાસી ગયા હતા. હુમલામાં ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરાક્રમસિંહે આ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ચાર મહિના પૂર્વે પોતે શાપરમાં પરિવારના મહિલા સભ્યો સાથે પાણીપૂરી ખાતા હતા ત્યારે ત્યાં ઊભેલો કરણ બારોટ મશ્કરી અને અણછાજતું વર્તન કરતો હોય તેને ટપાર્યો હતો જે બાબતનો ખાર રાખી તેણે હુમલો કર્યો હતો.