અષાઢ મહિનાના કેટલાક દિવસો ગરમ હોય છે તો કેટલાક દિવસોમાં વરસાદી માહોલ જોવા મળે છે. આ દરમિયાન ચોમાસુ પણ સક્રિય થવા લાગે છે. આ કારણથી અષાઢને ઋતુનો સંધિકાળ પણ કહેવામાં આવે છે. એટલે કે આ મહિનામાં ગરમી અને વરસાદ બંનેની અસર જોવા મળે છે. જેના કારણે બીમારીઓનું જોખમ વધી જાય છે.
પુરાણોમાં પરંપરાઓ અને આયુર્વેદમાં કેટલીકમહત્ત્વપૂર્ણ બાબતો ઋતુના સંધિકાળ દરમિયાન રોગોથી બચવા માટે કહેવામાં આવી છે. જેમાં વ્રત, સ્નાન અને પૂજા સાથે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જો તમે તેનું ધ્યાન રાખશો તો બીમારીઓથી બચી શકાય છે.
પુરીના જ્યોતિષી ડૉ.ગણેશ મિશ્રા કહે છે કે આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને સૂર્યની પૂજા કરવી જોઈએ. જેથી આપણી ઉર્જાને નિયંત્રિત કરી શકાય. આ મહિનો ગરમી અને વરસાદનું સંગમ છે. જેના કારણે આ મહિનામાં ચેપી રોગોનું પ્રમાણ અનેકગણું વધી જાય છે. એટલા માટે અષાઢ મહિનામાં સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
ગરમ અને વરસાદની ઋતુ
સ્વાસ્થ્યની દૃષ્ટિએ અષાઢ મહિનામાં સાવધાની રાખવી જોઈએ. આ મહિનો ઉનાળા અને વરસાદના સંધિકાળમાં આવે છે. એટલે કે આ સમય દરમિયાન ઉનાળાની ઋતુ હોય છે, સાથે જ રોહિણી નક્ષત્રમાં સૂર્યનું આગમન હોવાથી વરસાદની ઋતુ પણ હોય છે. જેના કારણે આ દિવસોમાં વાતાવરણમાં ભેજ વધવા લાગે છે. એટલા માટે આ મહિનામાં અનેક પ્રકારના ઇન્ફેક્શન થતા હોય છે. અષાઢ મહિનામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને વાઈરલ ફીવર વધુ હોય છે. એટલા માટે આ મહિનામાં સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.
સાવચેતીઓ: શું કરવું અને શું નહીં
હવામાનમાં ફેરફારના આ મહિનામાં પાણી સંબંધિત રોગો વધુ જોવા મળે છે. આ સ્થિતિમાં આ દિવસોમાં સ્વચ્છ પાણીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અષાઢ મહિનામાં રસદાર ફળોનું વધુ સેવન કરવું જોઈએ. પાચન શક્તિ યોગ્ય રાખવા માટે તળેલી વસ્તુઓ ઓછી ખાવી જોઈએ. અષાઢ મહિનામાં વરિયાળી, હિંગ અને લીંબુનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. આ મહિનામાં સ્વચ્છતા પર વધુ ધ્યાન આપવાની જરૂર છે.