પંજાબના જલંધરના ઈમિગ્રેશન એજન્ટ દ્વારા છેતરપિંડીનો ભોગ બનેલા 700 ભારતીય વિદ્યાર્થીઓને ડિપોર્ટેશનની નોટિસનો મુદ્દો કેનેડાની સંસદમાં પહોંચ્યો છે. બ્રેમ્પટન, મિસીસૌગા સહિત કેનેડાનાં અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ બે મહિનાથી દેખાવો કરી રહ્યા છે. 2જી જૂનથી વિરોધ શરૂ થયો હતો. કેનેડા, ભારત અને પંજાબ સરકાર આ મામલે સક્રિય બની છે. ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું કે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરનારાઓ સામે કાર્યવાહી થવી જોઈએ.
કેનેડાના હાઉસ ઑફ કોમન્સમાં ગુરુવારે ભારતીય મૂળના પ્રમુખ અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના સંસદસભ્ય જગમીત સિંહે વિદ્યાર્થીઓને ડિપોર્ટેશન રોકવા વિશે પૂછ્યું. તેના જવાબમાં કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે તેઓ ભારતીય વિદ્યાર્થીઓ સાથેની છેતરપિંડીથી વાકેફ છે. આ કારણસર તમામ વિદ્યાર્થીઓને તેમનો પક્ષ રજૂ કરવાની તક અપાશે. પીડિતોને સજા આપવાનો કેનેડા સરકારનો ઉદ્દેશ્ય નથી.
2025માં ચૂંટણી હોવાથી મંત્રીનો સૂર બદલાયો: બુધવારે હાઉસ ઑફ કોમન્સની સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન પર હાઉસ સ્ટેન્ડિંગ કમિટીનો એક ઠરાવ પસાર કરી વિદ્યાર્થીઓના ડિપોર્ટેશન પર રોક લગાવવા અપીલ કરી. તે પછી સંસદમાં ચર્ચા થઈ અને આખરે જસ્ટિન ટ્રુડોએ કહ્યું કે વિદ્યાર્થીઓને ન્યાય મળશે અને મામલાની તપાસ કરાશે. કેનેડામાં 2025માં ચૂંટણી છે.