રેલનગરમાં રહેતી 17 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફસાવી વિધર્મી લગ્નની લાલચ આપી ભગાડી ગયાનો બનાવ પોલીસમાં નોંધાયો છે.રેલનગર વિસ્તારમાં રહેતા યુવાને વિજય પ્લોટ-10માં રહેતા સુજલ અખ્તર ઘોરી નામના વિધર્મી સામે ફરિયાદ નોંધાવી છે.
શ્રમિક યુવાનની ફરિયાદ મુજબ, તેને સંતાનમાં બે દીકરી, એક દીકરો છે. રેલનગર પહેલા પરિવાર સાથે વિજયનગરમાં રહેતા હતા. ત્યારે નવેક મહિના પહેલા ધો.12 સુધી અભ્યાસ કરનાર 17 વર્ષની સૌથી મોટી દીકરીને કોઇની સાથે મોબાઇલમાં વાત કરતા પકડી હતી. તેને પૂછતા તે સુજલ સાથે વાત કરતી હોવાનું કહેતા પુત્રીને ઠપકો દીધો હતો. પુત્રીએ થોડા સમય માટે તેની સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. બાદમાં ચારેક મહિના પૂર્વે પુત્રી હજુ સુજલને મળતી હોવા અંગેની મિત્રે વાત કરતા વિજયનગરમાંથી ઘર ફેરવી રેલનગરમાં રહેવા આવી ગયા હતા.
દરમિયાન ચાર દિવસ પહેલા પત્ની પુત્રીને સુજલ સાથે મોબાઇલ પર વાત કરતા જોઇ જતા તેની પાસેથી મોબાઇલ ઝૂંટવી લીધો હતો. પૂછપરછમાં તે મોબાઇલ સુજલે આપ્યાની પુત્રીએ વાત કરી હતી. આમ પુત્રી સુજલના સંપર્કમાં હોય ત્રણ દિવસ પહેલા લાલપરીમાં રહેતા સસરાના ઘરે મોકલી દીધી હતી. ત્યારે શનિવારે સવારે પુત્રીને સુજલ અહીં આવીને ભગાડી ગયાની સાળીએ ફોન કરી જાણ કરી હતી. જેથી તુરંત પુત્રીને શોધવા બધે તપાસ કરી હતી, પરંતુ પુત્રીની કોઇ ભાળ નહિ મળતા અંતે બી ડિવિઝન પોલીસમાં સુજલ ઘોરી સામે અપહરણની ફરિયાદ નોંધાવી છે.