વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે તિબેટના ધાર્મિક નેતા દલાઈ લામાને મળવા આવેલા અમેરિકન પ્રતિનિધિમંડળને મળ્યા હતા. આ દરમિયાન પીએમ મોદીએ યુએસ હાઉસના પૂર્વ સ્પીકર નેન્સી પેલોસી સાથે પણ મુલાકાત કરી હતી. પીએમ મોદી અને અમેરિકન ડેલિગેશન વચ્ચેની આ મુલાકાતના ઘણા અર્થો શોધવામાં આવી રહ્યા છે.
વાસ્તવમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ વિદેશી પ્રતિનિધિમંડળ ભારતીય ધરતી પરથી તિબેટના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યું છે. જોકે, નેન્સી અગાઉ પણ મે 2017માં દલાઈ લામાને મળવા ભારત આવી હતી. જો કે, નેન્સી પેલોસી તે સમયે કોઈપણ પ્રતિનિધિમંડળ સાથે ભારતની મુલાકાતે ન હતી.
નોંધનીય બાબત એ છે કે, ભારત તિબેટને ચીનનો ભાગ માને છે અને તેના પર ટિપ્પણી કરવાનું ટાળ્યું છે. અમેરિકન પ્રતિનિધિમંડળની આ મુલાકાત સત્તાવાર છે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી.
બુધવારે અમેરિકી પ્રતિનિધિમંડળે કહ્યું કે, અમેરિકા દલાઈ લામાના ઉત્તરાધિકાર મામલે ચીનને હસ્તક્ષેપ કરવા દેશે નહીં. વાસ્તવમાં ચીન પોતાના 'દલાઈ લામા'ને તિબેટના ધાર્મિક નેતાના સર્વોચ્ચ પદ પર બેસાડવા માગે છે.