ઇક્વિટી માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે પરંતુ તેની સામે ટોચના બ્લુચિપ શેર્સ ડિસ્કાઉન્ટમાં ચાલી રહ્યાં છે. જો તમે 6 મહિના પહેલા ટોચના બ્લુચિપ શેરોમાં રોકાણ કર્યું હોય તો તમે સરેરાશ 13 ટકાનું નેગેટિવ રિટર્ન મેળવી રહ્યાં છો. આ સ્થિતિ ત્યારે છે જ્યારે સેન્સેક્સ અને નિફ્ટી ઓલટાઇમ હાઇની નજીક છે. વાસ્તવમાં નિફ્ટી 50 માં સમાવિષ્ટ ટોચના શેરોમાંથી લગભગ 40 ટકા ગયા ડિસેમ્બરથી ઘટ્યા છે.
નિફ્ટી 13 ડિસેમ્બર 2022ના રોજ 18608 પર હતો. સોમવારે 18601.50 પર બંધ થયો હતો. દરમિયાન, ઇન્ફોસીસના શેર તેમના સર્વોચ્ચ સ્તરેથી 30% સુધી તૂટ્યા છે. જોકે બે તારીખો વચ્ચેના તેના બંધ સ્તરમાં તફાવત 17.78% છે. એ જ રીતે ટીસીએસના શેરમાં સર્વોચ્ચ સ્તરેથી 28%નો ઘટાડો થયો છે અને છેલ્લા 6 મહિનામાં તેના બંધ સ્તરથી તફાવત 2.51% છે. આ દરમિયાન અદાણી ગ્રુપ, રિલાયન્સ, તાતા સ્ટીલ, સરકારી બેંક અને એચડીએફસીના શેરમાં 10-43%નો ઘટાડો થયો છે. સ્મોલ-મિડમાં હજુ રિટર્ન જળવાશે.