પીએમ મોદીને મળ્યા બાદ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પોતાના પરિવાર સાથે જયપુર પહોંચ્યા છે. તેઓ સાંજે 6:30થી 8:50 વાગ્યા સુધી પીએમ મોદીને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા.
પીએમ મોદીએ નિવાસસ્થાનના ગેટ પર વેન્સ પરિવારનું સ્વાગત કર્યું. તેમણે વેન્સ, તેમની પત્ની ઉષા અને તેમના ત્રણ બાળકો- ઇવાન, વિવેક અને મીરાબેલને તેમના નિવાસસ્થાનનો બગીચો બતાવ્યો. વડાપ્રધાને બાળકોને મોરપીંછ આપ્યાં.
ત્યારબાદ પીએમએ વેન્સ અને તેમના સાથેના પ્રતિનિધિમંડળ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી. આ બેઠકમાં દ્વિપક્ષીય વેપાર સોદો, ઉર્જા, સંરક્ષણ અને વ્યૂહાત્મક ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ચર્ચા થઈ.
જેડી વેન્સ સોમવારે સવારે 10 વાગ્યે તેમના પરિવાર સાથે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા. વેન્સનું વિમાન સવારે 9:45 વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર ઉતર્યું.
અહીં તેમનું સ્વાગત કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કર્યું. એરપોર્ટ પર જ તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. કલાકારોએ વેન્સ, તેમની પત્ની અને બાળકોની સામે પરંપરાગત નૃત્યો રજૂ કર્યા.
આ પછી વેન્સ તેમના પરિવાર સાથે દિલ્હીના અક્ષરધામ મંદિર ગયા. તેઓ લગભગ 1 કલાક ત્યાં રહ્યા. ઉપરાષ્ટ્રપતિ બન્યા પછી જેડી વેન્સની આ ભારતની પહેલી સત્તાવાર મુલાકાત છે.