1વાવાઝોડાં હમેશા ધરતીની ભૂમધ્ય રેખા (વિષુવવૃત્ત, ઉષ્ણકટિબંધ) આસપાસ જ સર્જાય, કેમ કે એ માટે જરુરી ગરમી ત્યાં જ હોય છે. સમુદ્ર સપાટીનું સરેરાશ તાપમાન 26 ડીગ્રી કે તેનાથી વધે તો જ વાવાઝોડું સર્જાઈ શકે. 2આટલી ગરમી પર સામસામા સમુદ્રી પવનો અથડાય એટલે એ ઊંચે ચડે. એ ખાલી જગ્યા પુરવા માટે વધુ પવનો એ તરફ આવે અને એ પણ ગરમ થઈ ઊંચે ચડે. 3ઊંચે ચડતી ગરમ હવા ઠરે છે અને ચારેબાજુ ફેલાતી જાય છે. 4ઊંચેની ઠંડી હવા સાથે ગરમ હવા મિશ્ર થતાં વાદળો બનવાની શરુઆત થાય. 5ધરતી સતત ફરતી હોય એટલે ખાલી જગ્યા તરફ આવતો પવન પણ વળાંક લે છે અને તેના કારણે ત્યાં ચક્રાકાર ગતી જન્મે છે. 6ભેજયુકત વાદળો ગોળ ગોળ ઘૂમવા લાગે છે અને ચક્રનું કદ મોટું થતું જાય છે. 7એ સાઈકલ આગળ વધતી જ જાય એટલે છેવટે બને સાઈકલોન.
પવનને વાવાઝોડું બનાવતી કોરિયોલિસ ઈફેક્ટ
ધરતીનું ધરીભ્રમણ પવનને તોફાની બનાવે એ વાત સૌ પ્રથમવાર 19મી સદીમાં ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી ગેસ્પાર્ડ કોરિયોલિસે કહી હતી. સીધી હવાને ફંટાવતી સ્થિતિ હવે કોરિયોલિસ ઈફેક્ટ તરીકે ઓળખાય છે. જો વાવાઝોડું ઉત્તર ગોળાર્ધમાં હોય તો એ ઘડિયાળના કાંટાની દિશામાં ઘૂમે અને દક્ષિણ ગોળાર્ધમાં હોય (જ્યાં આપણુ બિપોરજોય છે) તો કાંટાની વિરુદ્ધ દિશામાં ઘૂમે. પવન અને ધરતીનું પરિભ્રમણ સામસામે આવે ત્યારે જ પવન તોફાની વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરે.