રાષ્ટ્રપતિ જો બાઇડેન સુપર રિચ એટલે કે અબજપતિઓ, ધનિક રોકાણકારો તેમજ કોર્પોરેશન પર કરમાં વધારાની નવી સીરિઝ રજૂ કરવા જઇ રહ્યા છે. સંસદમાં બાઇડેન ટૂંકમાં બજેટ પ્રસ્તાવ જાહેર કરશે. તેમાં અબજપતિઓ પર 25% લઘુત્તમ ટેક્સ લગાવવાની યોજના છે. સાથે જ બાઇડેનની યોજના રોકાણ માટે કેપિટલ ગેઈન ટેક્સ 20%થી વધારીને 39.6% કરવાની છે. તેનાથી કોર્પોરેટ્સ, ધનિક અમેરિકનો પાસેથી વધુ કરની વસૂલાત થશે.
આ પ્રસ્તાવ ખાસ કરીને બાઇડેનના મલ્ટિ-ટ્રિલિયન ડૉલર બિલ્ડ બેક બેટર ઇકોનોમિક પેકેજનું પ્રતિનિધિત્વ કરે છે. બાઇડેનનું કહેવું છે કે તેમની યોજનાથી 10 વર્ષમાં અંદાજે 3 ટ્રિલિયન ડૉલરની ખોટની ભરપાઇ કરાશે. આ યોજના અમેરિકાના ખૂબ જ નાના વર્ગને અસર કરશે. પરંતુ, તેના પસાર થવાની સંભાવના ઓછી છે, ખાસ કરીને જ્યારે રિપબ્લિકન પ્રતિનિધિઓ ગૃહને નિયંત્રિત કરે છે.
કોર્પોરેટ કરનો દર 21%થી વધારીને 28% કરાશે
આ પ્રસ્તાવ અંતર્ગત સૌથી ધનિક 0.01% અમેરિકનો ન્યૂનતમ 25% કરની ચુકવણી કરશે. તેનાથી અમેરિકનો માટે ટોચના કરના દરને 37% થી 39.6% કરાશે. રોકાણકારોને તેમના ટૂંકા ગાળાના રોકાણ પર ઓછામાં ઓછા 1 મિલિયન ડૉલર પર 39.6% કરની ચુકવણી કરવી પડશે, જેના પર અત્યારે 20%ના દરે ચુકવણી કરાય છે. કોર્પોરેટ કરના દર 21%થી વધારીને 28% કરાશે. બાઇડેનના પ્રસ્તાવમાં ખાનગી ઇક્વિટી ફંડ મેનેજરો, ક્રૂડ કંપનીઓ, સાથે જ ક્રિપ્ટો અને રિયલ એસ્ટેટમાં રોકાણકારો માટે ઉદ્યોગ-વિશેષ ટેક્સ બ્રેકને રદ કરી રહ્યા છે.