આ વર્ષે જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતીય શ્રમ બજાર પોઝિટિવ સેન્ટિમેન્ટના સંકેત આપી રહ્યું છે અને દેશની આઇટી ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ભરતીનો ટ્રેન્ડ જોવા મળે તેવી શક્યતા સરવેમાં વ્યક્ત કરવામાં આવી છે. દેશના 3,020 નોકરીદાતાઓને આવરી લઇને કરાયેલા મેનપાવર ગ્રૂપ એમ્પ્લોયમેન્ટ આઉટલુક સરવે અનુસાર વર્ષ 2023ના ત્રીજા ક્વાર્ટરમાં છટણી અને વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની આશંકા વચ્ચે પણ શ્રમ બજારમાં પોઝિટિવ સેન્ટિમેન્ટના સંકેત મળી રહ્યાં છે.
સરવેમાં સામેલ 49 ટકા નોકરીદાતાઓએ કર્મચારીઓની ભરતી કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો જ્યારે 13 ટકા કંપનીઓની ભરતી કરવાની કોઇ યોજના નથી. જેને કારણે રોજગારી માટેનો આઉટલુક 36 ટકાની આસપાસ છે. ગત વર્ષની તુલનાએ હાયરિંગ સેન્ટિમેન્ટમાં 15 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ગત ક્વાર્ટરની તુલનાએ તેમાં 6 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.
વૈશ્વિક સ્તરે 41 દેશોમાં નોકરીદાતાઓએ સકારાત્મક રોજગાર આઉટલુક રહેવાનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. જેમાં 43% રોજગાર આઉટલુક સાથે કોસ્ટા રિકા ટોચ પર છે, ત્યારબાદ તેમાં નેધરલેન્ડ (39 ટકા), પેરુ (38 ટકા)નો સમાવેશ થાય છે. વૈશ્વિક યાદીમાં ઓસ્ટ્રેલિયા બાદ 36 ટકા સાથે ભારત પાંચમાં ક્રમાંકે છે. ત્યારબાદ યાદીમાં જાપાન (14 ટકા) અને તાઇવાન (15 ટકા) સામલે છે. સરવે અનુસાર 84 ટકા ભારતીય નોકરીદાતાઓ ગ્રીન જોબ્સ કે ગ્રીન સ્કિલ્સની જરૂરિયાત વાળી ભૂમિકા માટે ભરતી કરી રહ્યાં છે. વૈશ્વિક સ્તરે ટેક કંપનીઓ માટે ભારત એક મહત્વપૂર્ણ આઇટી ટેલેન્ટ હબ બનીને ઉભરી રહ્યું છે.