અમીન માર્ગ પર આવેલા સૂર્યપાર્કમાં ભાડાના મકાનમાં રહેતા ભાવિકાબેન પ્રકાશભાઈ પાનસુરીયાનો 12 વર્ષના પુત્ર પ્રહરને રાત્રીના 12 વાગ્યે પેટમાં દુખાવો થતાં સારવાર માટે પ્રથમ ખાનગી અને પછી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો પરંતુ, સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આ બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવિયા નગર પોલીસને કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી માતાનું નિવેદન નોંધ્યું હતું.
પેટમાં દુખતા મેડિકલમાંથી દવા લઈને પીવડાવી હતી
મૃતક પ્રહરના માતા ભાવિકાબેનના કહેવા મુજબ તેમનું માવતર લોધિકાના ચાંદલી ગામે છે, પતિનું 5 વર્ષ પહેલા અવસાન થતાં માવતરના ઘરે રહેતી હતી. બાદમાં મારા કામના કારણે અમીન માર્ગ પર ભાડે મકાન રાખીને રહું છું, પુત્ર પ્રહર જયપુર અભ્યાસ કરે છે. ચારેક દિવસ પહેલા જયપુર હતો ત્યારે ફોન કર્યો હતો અને પોતાની તબિયત બરાબર ન હોવાનું કહેતા હું તેને તેડવા ગઈ હતી. રાજકોટ આવ્યા બાદ તેની દવા પણ લીધી હતી અને આજે સવારે મુકવા જવાનો હતો. રાત્રે સૂતો હોઈ ત્યારે પોતાને પેટમાં દુઃખતું હોવાનું કહેતા કૌટુંબિક ભાઈને ફોન કરી મેડિકલમાંથી દવા લઇ આવવાનું કહેતા દવા પીવડાવી હતી. બાદમાં સુઈ ગયા પછી તેનો હાથ મારા ઉપર હોવાથી વજન વાળો લાગતા મેં પુત્રને તબિયત પૂછવા જગાડયો હતો પરંતુ જાગતો ન હોવાથી પરિચિતોને ફોન કરી નજીકની પ્રાઈવેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી સિવિલ હોસ્પિટલ લાવતા તબીબે મૃત જાહેર કર્યો હતો.