ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસરના કારણે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે જસદણ તાલુકાના ભાડલા-દહીંસરા રોડ પર પવનના સુસવાટા વચ્ચે અચાનક પીપરનું ઘટાટોપ વૃક્ષ ધરાશાયી થયું હતું. જો કે આ વૃક્ષ ધરાશાયી થવાના લીધે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ આ ઘટાટોપ વૃક્ષ ભાડલા-દહીંસરા મુખ્ય રોડ પર પડતા કલાકો સુધી રસ્તો બંધ થઈ ગયો હતો.
આ ઘટનાના પગલે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી આરંભાઈ હતી. આ ઘટનાની જાણ થતા જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા, મહામંત્રી કલ્પેશભાઈ વાવડીયા, વનરાજભાઈ ખીંટ, ભાડલા પોલીસ સ્ટેશનના પીઆઈ, મામલતદાર તેમજ સ્થાનિક આગેવાનો ત્યાં દોડી આવ્યા હતા અને રોડની વચ્ચે પડેલા ઘટાટોપ વૃક્ષને કાપી ક્રેનની મદદથી હટાવ્યું હતું.
આપાતકાલીન પરિસ્થિતિ વચ્ચે જસદણ તાલુકાના કોઈપણ ગામમાં કપરા સમયે મદદની જરૂર હોય તો જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશભાઈ વેકરીયા 9898712136, અનિલભાઈ ખોખરીયા 8530000900, જીતેન્દ્રભાઈ કુવાડીયા 9924871619, સતીષભાઈ વસાણી 9909281781, કેયુરભાઈ શેખલીયા 9725690971 દ્વારા આ હેલ્પલાઈન નંબર જારી કરવામાં આવ્યા છે. જ્યારે ટંકારા તાલુકાના ધુનડા ખાનપર ગામ થી રોહીશાળા ગામ ને જોડતા માર્ગ પર ભારે પવનથી તોતિંગ લીમડો રીતસર ઢળી પડ્યો હતો. સદનસીબે જાનહાની ટળી હતી. જોકે, કોઈ રાહદારીએ લીમડાના થડ ના ટેકે ટેકવેલી સાયકલ વૃક્ષ નીચે દબાઈ જતા ભાંગી ગઈ હતી. વૃક્ષ પડતા સાયકલનો કડુસલો બોલી ગયો હતો.