ભારતે બીજી T-20માં ઝિમ્બાબ્વેને 100 રનથી હરાવ્યું. હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રવિવારે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અભિષેક શર્માની સદી અને ઋતુરાજ ગાયકવાડના 77 રનની મદદથી ભારતે 234 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ઝિમ્બાબ્વે સામે કોઈપણ ટીમનો આ સર્વોચ્ચ સ્કોર હતો. આ પહેલા 2018માં ઓસ્ટ્રેલિયાએ 229 રન બનાવ્યા હતા.
જવાબમાં ઝિમ્બાબ્વે 134 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝિમ્બાબ્વે સામે ભારતની રનની આ સૌથી મોટી જીત હતી. આ પહેલા ટીમ ઈન્ડિયાએ મેલબોર્નમાં 2022 T-20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેને 71 રનથી હરાવ્યું હતું. ભારતીય બોલરોમાં આવેશ ખાન અને મુકેશ કુમારે 3-3 વિકેટ લીધી હતી. રવિ બિશ્નોઈને 2 વિકેટ મળી હતી.
અભિષેક શર્માએ 47 બોલમાં સદી ફટકારી હતી, ઝિમ્બાબ્વે સામે ભારતીય બેટ્સમેનની આ પ્રથમ સદી છે. તેણે 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. અભિષેકે બીજી વિકેટ માટે રૂતુરાજ ગાયકવાડ સાથે 132 રનની ભાગીદારી કરી હતી. રિંકુ સિંહે માત્ર 22 બોલમાં 48 રનની ઇનિંગ રમી હતી. ઝિમ્બાબ્વે તરફથી ઓપનર વેસ્લી માધવેરે 43 રન બનાવ્યા હતા.