સિક્કિમમાં તળાવ ફાટવાથી સર્જાયેલી તબાહી બાદ હવે આ વિસ્તારનાં દરેક બાળક અને વૃદ્ધોના હોઠ પર દાવા શેરિંગ તોંગ્દેન લેપ્ચાનું નામ છે. સિંગતામ સ્થિત તિસ્તા-5 હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટમાં કામ કરતા આ 35 વર્ષીય યુવાને કુદરતી આફતમાં પોતાના જીવની પરવા કર્યા વગર હજારો લોકોના જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
ગયા અઠવાડિયે મંગળવારે રાત્રે જ્યારે લોનક તળાવનું પાણી ચુંગથાંગ ડેમ તરફ તેજ ગતિએ આવી રહ્યું હતું. ત્યારે દાવા ડેમ ઉપરથી કુદરતી આફતને જોઈ રહ્યો હતો. તે પછી પોતાનો જીવ બચાવવાને બદલે તે પોતાની ફરજમાં વ્યસ્ત થઈ ગયો. ડેમને બચાવવા લાૅક દરવાજા ખોલ્યા. જો ડેમ તૂટ્યો હોત તો વિનાશનું દ્રશ્ય અનેકગણું વધુ ભયાનક બની શક્યું હોત. ત્રણ દરવાજા ખોલ્યા બાદ તિસ્તા નદીનું જળસ્તર ઘટવા લાગ્યું.